સુરત : પાંડેસરા અને સચીન વિસ્તારમાંથી રોકડા રૂપિયા લાવીને બપોરના સમયે ઘરે જમવા માટે જઇ રહેલા આધેડને મોપેડ ઉપર આવેલા ત્રણ લૂંટારુઓએ માત્ર પાંચ સેકેન્ડમાં જ લૂંટી લીધા હતા. આધેડની પાસેથી રોકડા એકત્રીસ લાખ ભરેલી બેગ આંચકીને ત્રણે યુવકો ફરાર થઇ ગયા હતા. બુધવારે થયેલી લૂંટના આ કેસમાં સંડોવાયેલા ત્રણને પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે. બે લૂટારુ મુંબઇ અને એક નાસિકથી ઝડપાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ સગરામપુરામાં છોવાલા શેરીમાં રહેતા જગદીશભાઇ મોહનલાલ ચોક્સી (ઉ.વ.65) તેમજ તેમનો પુત્ર અમિત ઘરમાં જ સાંઇ સિદ્ધિ એજન્સી તેમજ સાંઇ સમર્થ એજન્સીના નામે મની ટ્રાન્સફરનું કામકાજ કરે છે. પિતા-પુત્ર સચીન, ઉન, પાંડેસરા સહિતના વિસ્તારોમાંથી રૂપિયા કલેકશનનું કામ કરીને ઘરે લાવ્યા બાદ બેંકમાં જમા કરાવતા હતા. બુધવારે તેમનો પુત્ર અમિત અંકલેશ્વર સામાજીક પ્રસંગમાં ગયો હતો, અને જગદીશભાઇ પેશન પ્રો મોટરસાઇકલ લઇને સચીન, ઉન, પાંડેસરામાંથી 31.39 લાખ જેટલી રકમ કલેકશન કરી સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘરે જવા નીકળ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં ઉધના ત્રણ રસ્તા નજીક તેઓ પેટ્રોલ પુરાવવા માટે રોંગસાઇડ સર્વિસ રોડ ઉપર આવ્યા હતા. જગદીશભાઇએ અમદાવાદી ખમણ દુકાનની નજીક ગાડી ધીમી પાડતા પાછળથી એક મોપેડ ઉપર ત્રણ યુવકો આવ્યા હતા. આ ત્રણેયએ જગદીશભાઇના ખોળામાંથી બેગ આંચકીને ભાગી છૂટ્યા હતા. જગદીશભાઇએ બુમો પાડી હતી પરંતુ ત્રણેય ભાગવામાં સફળ રહ્યા હતા. ઘટના અંગે જગદીશભાઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ આરંભી હતી.
જગદીશભાઇએ તેમની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સૌથી પહેલા ઉનના દર્પણ ટ્રાવેલ્સમાંથી રૂા. 55 હજારનું કલેકશન કર્યું હતું, ત્યારબાદ તેઓ ઉન મેઇન રોડ ઉપર એરટેલ સ્ટોરમાંથી 68 હજાર, ત્યારબાદ તીરૂપતી બાલાજી નગરમાં ઓમ મની ટ્રાન્સફનરી દુકાનમાંથી 1.25 લાખ. આ ઉપરાંત તેમની સાથે કામ કરતો ચેતન પંચાલ પણ તેઓને ઉન વિસ્તારમાં મળ્યો હતો. ચેતને ઉઘરાવેલા રૂા.15.35 લાખ પણ જગદીશભાઇને આપ્યા હતા. ત્યારબાદ તેઓ પાંડેસરાના વડોદ ગામે ગયા હતા અને ત્યાંથી પૃથ્વી સુમુખ સ્ટેશનરીમાંથી 39 હજાર અને અન્ય એક જગ્યાએથી રૂા. 74 હજાર ઉઘરાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ ભેસ્તાનના સુંદરનગર-1માં જીયો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી રૂા.12.43 લાખ ઉઘરાવ્યા હતા. અને આ તમામ મળી રૂા.31.39 લાખ બેગમાં મુકીને ઘરે જઇ રહ્યા હતા.

**લૂંટારુઓએ બેગ લૂંટી ત્યારે સામેથી બે યુવકોએ પકડવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તેઓ ભાગી છૂટ્યા
લૂંટની આ ઘટનામાં પેટ્રોલપંપ ઉપર લાગેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જગદીશભાઇ ગાડી ધીમી પાડી રહ્યા હતા ત્યારે જ પાછળથી મોપેડ ઉપર આવેલા ત્રણ લૂંટારુઓએ જગદીશભાઇના ખોળામાંથી બેગ આંચકી લીધી હતી. આ દરમિયાન લૂંટારુઓની સામેથી એક મોટરસાઇકલ ઉપર બે યુવકો ઉધના તરફ જઇ રહ્યા હતા. તેઓએ પણ લૂંટારુઓને પકડવા માટે હાથ લાંબો કર્યો અને ગાડી ઊભી રાખી હતી પરંતુ લૂંટારુઓ ગાડીને ઓવરટેક કરીને ભાગવામાં સફળ રહ્યા હતા. હાલ તો ઉધના પોલીસે પેટ્રોલપંપ ઉપર ઉધના વિસ્તારની આજુબાજુમાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ શરૂ કરી છે.
લૂંટના આ કેસની તપાસમાં ઉધના પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પણ જોડાયું હતું. ટેકનીકલ સર્વેલન્સ અને સીસી કેમેરા ફૂટેજના આધારે પગેરુ દાબતાં પોલીસે લૂંટમાં સામેલ ત્રણ યુવકને ઝડપી પાડ્યાનું જાણવા મળે છે. આ ત્રણમાંથી બે મુંબઇ અને એક નાસિકથી ઝડપાયો હોવાનું જાણવા મળે છે.