મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સતત ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા વધી ગઈ છે. જેના કારણે શહેરના ટ્રાફિકને માઠી અસર થઈ રહી છે. ગત બુધવારથી મુંબઈમાં વરસાદ ચાલુ છે. BMCએ કહ્યું છે કે શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. આજે મુંબઈમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદ બાદ, મુંબઈના સાયન-બાંદ્રા લિંક રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ગુરુવારે રાત્રે, ભારે પાણી ભરાવાને કારણે ટ્રાફિકની અવરજવર ખોરવાઈ ગઈ અને મુંબઈમાં દાદર ટીટીના ખોડાદ સર્કલ પાસે એક કાર રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ.
મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. શહેરમાં ભારે વરસાદને કારણે મુંબઈના ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં અવિરત વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. લોઅર પરેલ વિસ્તારના રસ્તાઓ અને શેરીઓ વરસાદના પાણીમાં ડૂબી ગઈ છે. શહેરમાં ભારે વરસાદને કારણે અંધેરીના કેટલાક ભાગોમાં ભારે પાણી ભરાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ભારે વરસાદ વચ્ચે મુંબઈના ઘણા ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં ટ્રેન અને બસ સેવાને માઠી અસર થઈ હતી. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે સિઝનના પ્રથમ ભારે વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
કુર્લા, ચેમ્બુર, સાયન, દાદર અને અંધેરી સહિત મુંબઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જારી કર્યું છે, જેમાં 1 અને 2 જુલાઈએ શહેરના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હિંદમાતા, પરેલ, કાલાચોકી, હાજી અલી, ડોકયાર્ડ રોડ, ગાંધી માર્કેટ અને બાંદ્રા જેવા મુંબઈના વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રોડ ટ્રાફિક કાં તો ધીમો પડી ગયો અથવા બંધ થઈ ગયો.