તાપી : વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં પકડ જમાવવા માટે દરેક પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. આદિવાસીઓને કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક ગણવામાં આવે છે. આ વોટ બેન્ક અકબંધ રહે એ માટે કોંગ્રેસે તમામ તાકાત કામે લગાવી છે. ગુજરાતમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીએ પણ છોટું વસાવા સાથે મિટિંગો યોજી આદિવાસીઓને પોતાની તરફે કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. બીજી તરફ ભાજપે શહેરી વિસ્તારનો જાદુ આદિવાસી એરિયામાં પણ ચાલે એ માટે સોગઠાં ગોઠવ્યા છે. આ બધી ભાંજગડ વચ્ચે નિઝર વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર પરેશ વસાવાએ રાજીનામું આપ્યું દીધું છે. પરેશ વસાવા પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા તાપી ભાજપમાં ખળભળાટ મચ્યો હતો. તેમજ પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ પરેશ વસાવા દ્વારા તાપી જિલ્લામાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસ કામોમાં અધિકારીઓ અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ દ્વારા માનીતી NGO અને એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાઇ રહ્યો હોવાની ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરાઇ હતી. જોકે ત્યાની રજુઆતો પ્રત્યે કોઈ ધ્યાન અપાયું ન હતું, ત્યારે વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા આખરે પરેશ વસાવાએ ભાજપના પ્રાથમિક સભ્ય તેમજ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા તાપી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
જિલ્લામાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસ કામોમાં અધિકારીઓ અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ દ્વારા માનીતી NGO અને એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાઇ રહ્યો હોવાના મામલે અગાઉ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ બિપિન ચૌધરીએ પણ રાજીનામું આપ્યું હતું. ત્યારે બુધવારે પરેશ વસાવાએ રાજીનામું આપી દેતા તાપી જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ફરી લોકચર્ચા શરૂ થઇ છે. ખાસ કરીને સરકારી કામો અને કોન્ટ્રાક્ટમાં ભાજપ સંગઠન દ્વારા વધુ પડતી દખલગીરી અને તેમના મળતિયાઓ દ્વારા કામમાં કરાતાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વ્હાલા દવલાની નિતિ તથા કટકી પ્રથાના કારણે કોન્ટ્રાક્ટરના કામો તદ્દન હલકી કક્ષાના થાય છે, જેનો ભોગ સ્થાનિક રહેવાસીઓએ બનવું પડતું હોવાની બૂમ પણ ઉઠી છે.