મુંબઈ: બોલિવૂડમાં ચોકલેટી હીરો તરીકે જાણીતા અભિનેતા રણબીર કપૂર તેના ચાહકોને જોરદાર સરપ્રાઇઝ આપવા જઇ રહ્યો છે. રણબીર હાલ પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે અને શ્રદ્ધા કપૂરની ફિલ્મના શૂટિંગનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. હવે રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ ‘શમશેરા’નું પોસ્ટર સામે આવ્યું છે, જેમાં તેનો લુક એકદમ ડરામણો લાગી રહ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોસ્ટર લીક થતાં જ ટ્વિટર પર #Shamshera ટ્રેન્ડ થવા લાગ્યું છે. રણબીરનો અનોખો અવતાર જોઈ ફેન્સ પણ ખુશ થઈ ગયા છે. ચોકલેટી બોયનો ખૂંખાર અવતાર ચાહકો કેટલી હદે વધાવશે એની ઉપર સૌની નજર રહેશે.
શમશેરા ફિલ્મના નિર્માતાઓ આવતા અઠવાડિયે આ ફિલ્મના પ્રચાર પ્રસારના અભિયાનની શરૂઆત કરવાના હતા. ટ્રેલર લૉન્ચ થાય ત્યાં સુધી યશ રાજ ફિલ્મ્સ દ્વારા તમામ પ્રવૃત્તિઓનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, ટ્વિટર પર પ્રથમ પોસ્ટર લીક થવાથી યશ રાજ ફિલ્મ્સની તમામ યોજનાઓ ડૂબી ગઈ હોય તેવું લાગે છે. ચાહકો ઉન્માદમાં આવી ગયા હતા કારણ કે રણબીરના ડરામણા દેખાવના કારણે ઇન્ટરનેટ પર ભૂચાલ આવી ગયો હતો.
બીજી બાજુ યશ રાજ ફિલ્મ્સ દ્વારા લીક થયેલી માહિતીની કબૂલાત કરી. જ્યારે ‘શમશેરા’નું પોસ્ટર લીક થતાં યશરાજ ફિલ્મ્સનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે YRFના પ્રવક્તાએ પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે, “હા, અમે સવારથી આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ‘શમશેરા’નું પોસ્ટર લીક થયું છે અને તે ખૂબ જ કમનસીબ છે. રણબીર 4 વર્ષ પછી મોટા પડદા પર પાછો આવી રહ્યો છે અને અમે તેની ફિલ્મની સુરક્ષા કરવા માંગીએ છીએ. જ્યાં સુધી લોકો ટ્રેલર ન જુએ ત્યાં સુધી ખબર પડતી નથી, તેમ છતાં અમે જાણતા હતા કે તે સૌથી મોટો ચર્ચાનો મુદ્દો હશે.
પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, “અમે હવે ‘શમશેરા’નું ટ્રેલર લૉન્ચ સુધીની દોડમાં અમારી આખી યોજનાને ફરીથી ગોઠવવાની જરૂરિયાત પડશે.
‘શમશેરા’નું પોસ્ટર લીક થતાં જ ચાહકોને રણબીર કપૂરનો ડરામણો લૂક જોવા મળી રહ્યો છે. વાયરલ લૂકમાં તમે જોઈ શકો છો કે રણબીર કપૂર મોટા વાળ અને મોટી દાઢીમાં જોવા મળી રહ્યો છે. તેના ચહેરા પરના હાવભાવથી કોઈ પણ ડરી જાય તેમ છે. ‘શમશેરા’માં રણબીરનો લુક જોઈને ફેન્સ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું.
કરણ મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ શમશેરામાં રણબીર કપૂર ઉપરાંત સંજય દત્ત, વાણી કપૂર, આશુતોષ રાણા, રોનિત રોય, સૌરભ શુક્લા, ત્રિધા ચૌધરી અને આહાના કુમરા પણ મહત્વની ભૂમિકામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ડાકુ શમશેરાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘શમશેરા’ આદિત્ય ચોપરા દ્વારા બનાવવામાં આવી છે.