ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. જો તે ચૂંટાશે તો દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ હશે, તો બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંખ્યા બળના આધાર પર ભાજપ-એનડીએ મજબૂત સ્થિતિમાં છે અને જો બીજેડી કે આંધ્ર પ્રદેશની વાઈએસઆર કોંગ્રેસ જેવા દળોનું સમર્થન મળી જાય તો તેની જીત પાક્કી થઈ જશે. જયારે વિપક્ષે 84 વર્ષના યશવંત સિન્હાને વિપક્ષી પાર્ટીમાં સ્થાન મળ્યું અને તેમને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા છે. તેમને ઉમેદવાર એવા સમયમાં બનાવવામાં આવ્યા છે જ્યારે માનવામાં આવી રહ્યું હતું કે તેમની રાજકીય સફર સમાપ્ત થવા તરફ અગ્રેસર છે. યશવંત સિન્હા ઝારખંડથી સાંસદ રહી ચુક્યા છે. ભારતીય વહીવટી સેવાના અધિકારી રહી ચુક્યા છે.

*BJPએ દ્રોપદી મુર્મૂને બનાવ્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતાર્યા છે. આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મૂ છ વર્ષ એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે. તેમનો જન્મ ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં થયો છે. તે ઓડિશામાં ભાજપ અને બીજેડી ગઠબંધન સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આજની સંસદીય બોર્ડની બેઠકમાં અમે બધા એ અભિપ્રાય પર આવ્યા કે ભાજપ અને NDAએ તેમના તમામ ઘટક પક્ષો સાથે વાત કર્યા બાદ રાષ્ટ્રપતિ માટેના અમારા ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂની જાહેરાત કરવામાં આવી છે.

નડ્ડાએ કહ્યું કે બેઠકમાં લગભગ 20 નામો પર ચર્ચા થઈ હતી. અમે વિપક્ષી દળો સાથે પણ સલાહ લેવાનો પ્રયાસ કર્યો. પત્રકાર પરિષદમાં જેપી નડ્ડાએ કહ્યુ કે દેશને પ્રથમવાર આદિવાસી સમુદાયથી એક રાષ્ટ્રપતિ આપવાની તૈયારી કરી છે. તેમના નામની જાહેરાત કરી પાર્ટીએ એક તરફથી આદિવાસી સમુદાયને સાધવાનું કામ કર્યું છે તો બીજી તરફ મહિલા સશક્તિકરણને લઈને પણ સંદેશ આપ્યો છે. આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મૂ છ વર્ષ એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યાં છે. મુર્મૂ ઓડિશાના રાયરંગપુરના રહેવાસી છે. મુર્મૂનો ગઈકાલે જન્મદિવસ હતો. તેમનો જન્મ 20 જૂન 1958ના થયો હતો. તેઓ 64 વર્ષના છે.
*વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આજે વિરોધ પક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે. જયરામ રમેશ, સુધીન્દ્ર કુલકર્ણી, દિપાંકર ભટ્ટાચાર્ય, શરદ પવાર, ડી રાજા, તિરુચી શિવા (DMK), પ્રફુલ પટેલ, યેચુરી, એનકે પ્રેમચંદ્રન (RSP), મનોજ ઝા, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસૂદી (નેશનલ કોન્ફરન્સ), અભિષેક બેનર્જી અને રામ ગોપાલ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
યશવંત સિન્હા ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા હતા, જેઓ હાલમાં બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા. આજે સવારે જ તેમણે તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
યશવંત સિન્હા 1960 માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યા પછી, તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું.