રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સંપન્ન થઈ ગયું છે. રાજ્ય સભા અને લોકસભાના સાંસદોએ દિલ્હીમાં તો તમામ રાજ્યના ધારાસભ્યોએ પોતાના રાજ્યની વિધાનસભામાં મતદાન કર્યું હતું. હવે 21 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે.
દેશને 21 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળવાના છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યોજાયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સવારે 10 કલાકે મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજે 5 કલાકે મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન 736માંથી 730 સાંસદોએ પોતાનો મત આપ્યો છે. સાંસદોનું મતદાન 99.18 ટકા થયું છે. તો 6 સાંસદોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો નથી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે ટક્કર છે. પરંતુ સમર્થન જોતા દ્રૌપદી મુર્મૂની જીત નક્કી માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે. 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે.

**ચૂંટણીમાં મુર્મૂની દાવેદારી મજબૂત
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દેશભરમાં 4800થી વધુ સાંસદો અને ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાનો હતો. 16માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દેશની સંસદ સિવાય રાજ્ય વિધાનસભાઓમાં પણ મતદાન થયું હતું. હવે 21 જુલાઈએ પરિણામ સામે આવશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ભાજપ, જેડીયૂ, બીજેડી, વાઈએસઆરસીપી, બીએસપી, AIADMK, ટીડીપી, શિરોમણિ અકાલી દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોર્ચાના ધારાસભ્યોએ મતદાન કર્યું છે. તો કોંગ્રેસ, એનસીપી, સપા, ટીઆરએસ જેવી પાર્ટીઓએ યશવંત સિન્હાનું સમર્થન કર્યું હતું. પરંતુ અનેક રાજ્યોમાં ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ પણ કર્યું છે.
**8 સાંસદો ન કરી શક્યા મતદાન
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાનમાં પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ દિગ્ગજોએ મતદાન કર્યું હતું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ સાંસદ મનમોહન સિંહ સંસદમાં વ્હીલચેયર પર બેસીને મત આપવા પહોંચ્યા હતા.
રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનમાં કુલ 8 સાંસદો મત આપી શક્યા નહીં. તેમાં બીએસપી સાંસદ અતુલ કુમાર સિંહ જેલમાં છે. તો ભાજપના સાંસદ સની દેઓલ વિદેશ યાત્રા પર છે. આ સિવાય શિવસેના સાંસદ ગજાનન કીર્તિકર, હેમંત ગોડસે, બીએસપી સાંસદ ફઝલુર રહમાન, સાદિક રહમાન અને સૈયદ ઇમ્તિયાઝે પણ મત આપ્યો નથી.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ખુબ થયું ક્રોસ વોટિંગ
મતદાન દરમિયાન અસમ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ક્રોસ વોટિંગ પણ જોવા મળ્યું હતું. ગુજરાતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ ધારાસભ્ય કાંધલ જાડેજાએ કહ્યુ કે તેણે એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મત આપ્યો હતો. સાથે અસમમાં એઆઈયૂડીએફના ધારાસભ્ય કરીમ ઉદ્દીન બુરભુઇયાએ દાવો કર્યો કે અસમમાં ઓછામાં ઓછા 20 કોંગ્રેસ ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના પક્ષમાં મતદાન કર્યું છે. પરંતુ કોંગ્રેસે ક્રોસ વોટિંગના આરોપોને નકારી દીધો હતો.