ભાજપના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાનુ નામાંકન દાખલ કરી દીધુ છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભાજપ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પહેલા પ્રસ્તાવક બન્યા. જાણકારી અનુસાર મુર્મૂના ઉમેદવાર માટે ભાજપે નામાંકનના ચાર સેટ તૈયાર કર્યા છે. વડાપ્રધાન સિવાય, વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ નામાંકન પત્ર પર હસ્તાક્ષર કર્યા.
રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 18 જુલાઈએ થશે. તે કોઈ પ્રમુખ રાજકીય દળ કે ગઠબંધનની ઓડિશાથી પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. તેઓ ઝારખંડના પહેલા મહિલા રાજ્યપાલ છે. તેમણે 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યુ.દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી અને મુલાકાતની તસવીર શેર કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ, દ્રૌપદી મુર્મૂ જી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની સમગ્ર દેશમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે. પાયાની સમસ્યાઓ પ્રત્યે તેમની સમજ અને ભારતના વિકાસને લઈને તેમની દ્રષ્ટિ ઉત્કૃષ્ટ છે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ગુરૂવારે રાજગના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યુ. જે આ પદ માટે પહેલા આદિવાસી મહિલા છે. રાજ્ય સરકારના એક સત્તાકીય નિવેદન અનુસાર- સીએમ જગનનુ કહેવુ છે કે તેમની પાર્ટી એસસી, એસટી, બીસી અને લઘુમતી સમુદાયોના પ્રતિનિધિત્વ પર હંમેશા જોર આપે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA સિવાય મુર્મુને અન્ય કેટલીક પાર્ટીઓના સમર્થનની પણ જરૂર છે, જેના માટે તેમણે પોતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે દ્રૌપદી મુર્મુએ મમતા સાથે તેમને સમર્થન આપવા અંગે વાતચીત કરી હતી. દ્રૌપદી મુર્મુ સાથે ફોન પર વાતચીત દરમિયાન મમતા બેનર્જીએ તેમને તેમના વતી શુભેચ્છા પાઠવી હતી. પરંતુ મમતા બેનર્જીએ સમર્થન આપવા પર સહમતિ વ્યક્તિ કરી નહોતી. મમતાએ મુર્મુને કહ્યું હતું કે આ અંગે પાર્ટી નક્કી કરશે કે શું કરવું જોઇએ. જોકે, દ્રૌપદી મુર્મુને મમતા સમર્થન આપે તેવી કોઇ શક્યતા નથી કારણ કે તેમની પોતાની પાર્ટી ટીએમસીના નેતા યશવંત સિંહા પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. વિરોધ પક્ષોએ તેમને પરસ્પર સહમતિથી ઉમેદવાર બનાવ્યા છે.
મમતા બેનર્જી ઉપરાંત NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP ચીફ શરદ પવાર સાથે પણ વાત કરી હતી. જેમાં તેમણે આ તમામ મોટી પાર્ટીઓનું સમર્થન માંગ્યું છે. મુર્મુને તમામ શુભકામનાઓ મોકલવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઉમેદવારી નોંધાવતા પહેલા મુર્મુ તરફથી તમામ નેતાઓને ફોન કરવામાં આવ્યા હતા.