નવી દિલ્હી, 21 જુલાઈ…
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સાંસદોના મતની ગણતરી સમાપ્ત થઈ ગઈ છે. રાયસીના હિલ્સની રેસમાં દ્રૌપદી મુર્મૂ આગળ નીકળી ગયા છે. સાંસદોના કુલ 748 મત પડ્યા હતા જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને 208 મત મળ્યા છે. સાંસદોના મતમાંથી 15 સાંસદોના મત ઈનવેલિડ થયા છે. મુર્મૂને મળેલા સાંસદોના કુલ મતની વેલ્યુ 3,78,000 છે. જ્યારે સિંહાને મળેલા સાંસદોના મતની વેલ્યુ 1,45,600 છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રથમ રાઉન્ડની મત ગણતરી સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડમાં સાંસદોના મતની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા તબક્કામાં 10 રાજ્યોમાં ધારાસભ્યોના મતની ગણતરી કરવામાં આવશે અને બીજા તબક્કાના પરિણામો જાહેર કરવામાં આવશે. રાજ્યોમાં આલ્ફાબેટ પ્રમાણે મત ગણતરી થશે. ત્યાર બાદ પછીના 10 રાજ્યોમાં ધારાસભ્યોના મતની ગણતરી કરાશે.
આજે 11:00 વાગ્યે મત ગણતરીનો આરંભ થયો હતો અને બપોરે આશરે 2:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મળવા માટે પહોંચ્યા હતા.
ભારતના નવા રાષ્ટ્રપતિના નામ પર ગુરૂવારે મહોર લાગશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થયું હતું. આજે એટલે કે ગુરૂવારના રોજ સવારે 11:00 વાગ્યાથી સંસદ ભવન ખાતે મતગણતરી શરૂ થશે. NDA તરફથી દ્રૌપદી મુર્મુ જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિંહા ઉમેદવાર છે. અહીં પરિણામો જાહેર થયા નથી પરંતુ દ્રૌપદી મુર્મુના વતન રાયરંગપુરમાં તેમની જીતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
**વિજય સરઘસ અને આદિવાસી નૃત્યની યોજના
હકીકતમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીતની પ્રબળ સંભાવના છે. તેમનું વતન ઓડિશાના રાયરંગપુરમાં આવેલું છે ત્યાં તેમના જીતના જશ્નની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. કેટલીક જગ્યાએ મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે અને તેમના ગામ સહિત આસપાસના અનેક ગામોના લોકોએ વિજય સરઘસ અને આદિવાસી નૃત્યનું આયોજન કર્યું છે.
તો બીજી તરફ સ્થાનિક ભાજપ એકમ પરિણામ જાહેર થયા બાદ ઉજવણીનું આયોજન કરી રહ્યું છે. સ્થાનિક ભાજપના નેતા તપમ મહંતે કહ્યું હતું કે, અમે 20 હજાર લાડુ તૈયાર કરી રહ્યા છીએ અને મુર્મુને અભિનંદન આપવા માટે 100 બેનર લગાવી રહ્યા છીએ.
**દ્રૌપદી મુર્મુ પર ખૂબ ગર્વ
સાથે જ મુર્મુએ જ્યાં અભ્યાસ કર્યો હતો તે શાળાના મુખ્ય શિક્ષકે યાદ કર્યું કે તે એક હોંશિયાર વિદ્યાર્થી હતી અને લોકોની સેવા કરવા માંગતી હતી. તેમણે કહ્યું હતું કે, 1968 થી 1970 સુધી હું ત્યાં મુખ્ય શિક્ષક હતો જ્યારે તે સ્કૂલમાં ભણતી હતી. તેઓ દ્રૌપદી મુર્મુ પર ખૂબ ગર્વ અનુભવે છે. મને યાદ છે કે, એકવાર વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ શું કરવા માગે છે અનેક બાળકોએ પોતપોતાના જવાબો આપ્યા હતા પરંતુ મુર્મુએ કહ્યું હતું કે, તે લોકોની સેવા કરવા માંગે છે.
દ્રૌપદી મુર્મુના સંબંધી સરસ્વતી મુર્મુએ કહ્યું હતું કે, દ્રૌપદી મુર્મુએ સાબિત કર્યું છે કે, મહિલાઓ શું મેળવી શકે છે. તેમણે જીવનભર ઘણો સંઘર્ષ કર્યો છે અને આ તેમના અવિરત સંઘર્ષનું પરિણામ છે. તેઓ સ્વભાવે ખૂબ જ વિનમ્ર અને જમીન સાથે જોડાયેલ પ્રકૃતિની છે. આપણે હંમેશા સુખ-દુઃખમાં સાથે છીએ. અમારા સમયમાં હંમેશા કહેવામાં આવતું હતું કે, તમે ભણીને શું કરશો. લોકો તેમને પૂછતા હતા કે, તે શું કરી શકશે. હવે તેણીએ તેને સાબિત કરી દીધું છે કે તે શું કરી શકે છે.
**મેગા ‘અભિનંદન યાત્રા’ યોજના
તો બીજી તરફ, ભાજપે ગુરૂવારે મતગણતરી બાદ મેગા ‘અભિનંદન યાત્રા’નું આયોજન કર્યું છે. જો દ્રૌપદી મુર્મુ ચૂંટાય છે તો તેમની ઐતિહાસિક જીતને પ્રતીક કરવા માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કૂચનું નેતૃત્વ કરશે. પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુની લગભગ નિશ્ચિત જીતની ઉજવણી કરવા માટે પંત માર્ગ પરના દિલ્હી ભાજપ કાર્યાલયથી રોડ શો શરૂ થવાનો છે.