સુરત, તા.26
પ્રજાની સલામતી અને સુખાકારી એ તંત્રની પ્રાથમિક જવાબદારી અને ફરજ હોય છે. જો કે, સરકારી તંત્ર પ્રજા માટે નહીં પોતાના માટે કામ કરતું હોય એવી દુઃખદ સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના પ્રવેશ દ્વાર એવા કડોદરા વિસ્તારની પ્રજા અને અહીંથી અવતા જતાં લોકો માટે સમસ્યાઓનો ચક્રવ્યૂ વિંધવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઇ ચૂકી છે. તંત્રની બેદરકારી અને લાલિયાવાડી એ હદે પહોંચી છે કે હજારો લોકો માટે લાઇફલાઇન બની ગયેલી સિટિ બસ કડોદરા ચાર રસ્તા સુધી પહોંચી શકતી નથી. સરદાર કોમ્પલેક્ષ સામે દબાણો અને ટ્રાફિક જામના કારણે હવે બસ એકાદ કિલોમીટર દૂર કચ્છી વાડી પાસે ઉભી રહેલા મૂસાફરોની હાલાકીમાં વધારો થયો છે.

કડોદરાના સામાજીક, રાજકીય અગ્રણી જીગ્નેશ મોદીએ સામાન્ય પ્રજાજનના આ પ્રાણ પ્રશ્નને વાચા આપી છે. સિટિબસની સમસ્યાઓ અંગે ફરિયાદો મળી અને તેમણે મુસાફરોની હાલાકી જોઇ, અનુભવી હતી. મોદીએ કહ્યું કે સુરત જતા પેસેન્જરને સીટી બસ કચ્છી વાળી તરફ ઊભી રાખતા બહુ તકલીફ પડે છે, જયારે સરદાર કોમ્પલેક્ષની બહાર અંડર પાસ પાસે ખૂબ જગ્યા છે. લોકોને દૂર સુધી જવામાં તકલીફ થઈ રહી છે. આ સમસ્યા અંગે તરત જ ડેપ્યુટી કમિશનર કમલેશ ભાઈ નાયકને વાત કરવામાં આવી હતી.
નાયકે તેમણે વાત સાંભળી અને સમસ્યા સમજી હતી. તેમણે એડિશનલ કમિશનર મેહુલભાઈ પટેલ સાથે ચર્ચા કહેવા કહ્યું હતું. કડોદરા થી સુરત સુધી સીટી બસ ચાલુ કરાવવાની પરવાનગી મેહુલ પટેલે જ આપી હોવાથી તેઓ સ્થળ અને સ્થિતિથી વાકેફ હતાં. મેહુલભાઈ પટેલે R&B, નગરપાલિકા અને એસટી ડેપો વાળા સાથે વાત કરી સિટિ બસ ઉભી રહે એવી થોડીક જગ્યાની વ્યવસ્થા કરી આપે. જગ્યા મળે તો અમો બસ ઊભી રાખીએ અને પેસેન્જરને તકલીફ ન પડે.

મોદીના કહેવા અનુસાર મેહુલ પટેલે કડોદરા ચાર રસ્તે જગ્યા અને ટ્રાફિકની સ્થિતિ સમજી અને સ્વિકારી હતી. તેમણે કહ્યું કે આ લડત સાચી છે. અહીં એસટી ડેપો ખાલી છે જ્યારે બીજી તરફ સીટિ બસ મુકવા માટે જગ્યા નથી. સરદાર કોમ્પલેક્ષ પાસે જાહેર રસ્તાની આસપાસ ગેરકાયદે કરાયેલા દબાણો દૂર કરવામાં આવે તો પણ સ્થિતિ ઘણી હળવી બની જાય એમ છે. ટ્રાફિક વહન સરળ બને અને માસ ટ્રાન્સપોર્ટેશનની સગવડ પણ લોકોને ઉપલબ્ધ કરાવી શકાય.

પહેલા સરદાર કોમ્પલેક્ષ સામેથી બસ ઉપડતી જ હતી. અંડર પાસની કામગીરીના પગલે હવે કચ્છીવાડીથી ઉપડે છે. જે અડધો કિલોમીટર દૂર છે. બીજી તરફ એસટીનો ડેપો ખાલી પડેલો છે. મુસાફરોને આવતી જતી વેળા એક કિલોમીટર ચાલવુ પડે અને એ પણ હેવી ટ્રાફિક વચ્ચે. આ સ્થિતિ પ્રજાની મુશ્કેલી જ નહી, કોઇ મોટો ગંભીર અકસ્માતની શક્યતાં પણ વધારી રહી છે.
કડોદરાથી દરરોજ સેંકડો યુવાઓ ધંધા રોજગાર માટે સુરત આવ જા કરે છે. વિદ્યાર્થીઓ અને મૂસાફરો પણ મોટાપાયે સિટિબસનો ઉપયોગ કરતાં જોવા મળે છે. માત્ર ગેરકાયદે દબાણ દૂર કરવા અને ટ્રાફિક નિયોજનથી સમસ્યા હલ થઇ શકે એમ છે. નગર પાલિકા, પોલિસ, આર એન્ડ બી તથા એસટી તંત્ર આ સમસ્યા અમારી નહી હોવાનું જણાવી જવાબદારીની ખો એકબીજાના માથે નાંખી રહ્યું છે. આ તમામ વિભાગો પ્રજાની સુખાકારી માટે કામ કરતાં હોવાનો દાવો કરે છે ત્યારે સમસ્યાના ઉકેલ માટે સંકલન કેમ નથી કરાતુ એવો પ્રશ્ન પણ મોદીએ ઉઠાવ્યો છે.