ભારતમાં એક એવી રમત છે જેમાં પૈસા જ પૈસા છે. અને એ રમત કઇ છે કહેવાની જરૂર નથી. ભારતમાં ક્રિકેટ અને ક્રિકેટરોની બોલબાલા રહી છે. આ રમતને લીધે ઘણાં લોકો અચાનક કરોડપતિ બન્યા હોય એવા દાખલા આપણી સામે છે. આમાં વધુ એક નામ પૃથ્વી શોનું ઉમેરીએ તો નવાઇ નથી. એક સમય એવો હતો જ્યારે તેનો પરિવાર વિરારની એક ચાલીમાં નાના મકાનમાં રહેતો હતો. પૃથ્વી શૉએ ક્રિકેટ રમીને પોતાના સપનાઓ સાકાર કર્યા છે.
પૃથ્વી શોએ મુંબઈના બાંદ્રા રિક્લેમેશનમાં એક પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વીના લક્ઝરી એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 2209 સ્ક્વેર ફૂટ છે, જ્યારે ટેરેસ 1654 સ્ક્વેર ફૂટ છે. આ એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ-81 ઓરિએટ સ્થિત છે. તેની સ્ટેમ્પ ડ્યુટીની કિંમત સાંભળીને તમને આશ્ચર્ય થશે. પૃથ્વીએ સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 52.50 લાખ ચૂકવ્યા છે.
પૃથ્વી શૉએ 2018માં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ પછી વર્લ્ડ કપ જીતનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો હતો. આ પછી આ નાના કદના ઓપનરે પાછું વળીને જોયું નથી. તેણે તે જ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું, જ્યારે 2020માં ન્યૂઝીલેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી.
2021માં શ્રીલંકા સામે T20માં ડેબ્યૂ કરનાર પૃથ્વી હાલમાં IPLની દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. ફ્રેન્ચાઇઝીએ તેને આ સિઝન માટે જાળવી રાખ્યો હતો. તેણે 62 મેચોમાં 25.23ની એવરેજ અને 148.39ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 1564 રન બનાવ્યા છે.