જામનગરમાં પોલીસ હેડ કવાર્ટરમાં આવેલી સાયબર ક્રાઇમ ઓફિસ પાછળ રૂમના દરવાજાનું તાળા તોડી વ્હીસ્કી બિયરના જથ્થાની ચોરી થઇ હતી. પોલીસ કસ્ટડીમાંથી દારુ ચોરાવાની આ ઘટના અંગે જામનગર સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસની માલિકાની જગ્યામાંથી ચોરી થઈ હોવાનું સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. આ મામલે તપાસમાં સસ્પેન્ડેડ પીએસઆઈના પુત્રએ જ દારૂના મુદામાલની ચોરીના ગુન્હાને અંજામ આપ્યો હોવાનું સામે આવતાં મામલો વધુ સંગીન બન્યો હતો.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં આવેલી સાઇબર ક્રાઇમ ઓફિસ પાછળના ઓફિસર કવાર્ટરના મુદ્દામાલના રૂમમાં ચોરી થઇ હતી. છેલ્લા ચારેક મહિનાના ગાળા દરમિયાન રુમનાં તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા દોઢ લાખની કિંમતની 317 બોટલ દારૂ તેમજ 14 હજાર 500ની કિંમતનો વધુ 29 બોટલ દારૂ ઉપરાંત બિયરના બે ટીનની ચોરી થયાની ફરિયાદ બી ડિવિઝન પોલસી મથકમાં નોંધાવાય હતી.

પોલીસે કરેલી તપાસમાં આ ચોરી સસ્પેન્ડ પીએસઆઇના પુત્રએ કરી હોવાનું બહાર આવતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પીએસઆઇ ભદોરીયાના 13 વર્ષીય પુત્રએ પોલીસ કસ્ટડીમાંથી જ ચોરી કર્યાનું બહાર આવતાં ભારે ચકચાર મચી હતી. આ પ્રકરણમાં આશ્ચર્યની વાત એ છે કે ચોરી ચાર મહિનાના સમયગાળા દરમયિાન થઇ હતી. ચાર મહિનાથી ચોરી થતી હોવા છતાં મુદ્દામાલ રૂમના ઇન્ચાર્જને આની જાણ કેમ ના થઇ, ફરિયાદ અનુસાર રૂમના દરવાજાનું તાળું તોડી ચોરી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ થયો છે ત્યારે તાળા તૂટયા છતાં જવાબદારોએ ચાર ચાર મહિના સુધી કાર્યવાહી શા માટે ન કરી વિગેરે પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે. સાથે જ ચોરી ટાબરિયાએ કરી છે કે પછી પોલીસે અહીં પણ નાના માથે મોટું ચઢાવી દેવાની નીતિરીતિ અનુસરી છે એ મુદ્દે પણ પણ વાદ-વિવાદ સાંભળવા મળી રહ્યો છે.