ઓનલાઇન પેમેન્ટ અને રોકાણ માટે સમગ્ર વિશ્વમાં ઓન ડિમાન્ડ રહેલી ક્રિપ્ટો કરન્સી અને ડિજિટલ કરન્સી પર નિયંત્રણ લેવા માટે અમેરિકા, ચીન, ભારત સહિતના દેશો અનેક કડક પ્રતિબંધો લાદી રહ્યાં છે. જોકે એકતરફ યુક્રેન સામે યુદ્ધ છેડ્યા બાદ પશ્ચિમી દેશો તરફથી પ્રતિબંધોનો સામનો કરી રહેલ રશિયાએ આ અજંપાભરી સ્થિતિમાં દેશની નાણાંકીય સ્થિરતા અને અન્ય ફાઈનાન્શિયલ મુદ્દે અસ્થિરતા ન સર્જાય તે માટે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદ્યો છે.
ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ હવે રશિયામાં કોઈપણ વસ્તુ અથવા સર્વિસની ચૂકવણી કરવા માટે કરવામાં આવશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નવા કાયદાને મંજૂરી આપી છે. આ પ્રતિબંધની સાથેન ડિજિટલ પેમેન્ટ પર રોક લાગી છે. ક્રિપ્ટોકરન્સી અને NFTs હવે કાયદાકીય પેમેન્ટ સિસ્ટમો નથી. જોકે રશિયામાં સંપત્તિ તરીકે ક્રિપ્ટોકરન્સીની ખરીદી, વેચાણ અને ગીરવે મુકવા પર પ્રતિબંધ નથી.
સરકાર રશિયામાં ડિજિટલ પેમેન્ટને લઈને ક્યારેય આશ્વસ્થ રહી નથી. 2015ની શરૂઆતમાં પુતિને બિટકોઇન વિશે કહ્યું હતું કે તેની કોઈ અન્ડરલાઈન એસેટ નથી. આ નિવેદનને રશિયામાં ડિજિટલ પેમેન્ટ માટે મંજૂરીના સંકેત તરીકે જોવામાં આવ્યું હતું.
બે વર્ષ પછી ક્રિપ્ટોકરન્સી પર પુતિનનું વલણ બદલાઈ ગયું. તેને ગંભીર ખતરો ગણાવીને તેના નિયમન પર ભાર મૂક્યો હતો. તે જ વર્ષે પુતિને ક્રિપ્ટોકરન્સી અંગે પાંચ નવા ઓર્ડર જારી કર્યા. પછી 2019માં તેમણે ક્રિપ્ટોકરન્સીના નિયમનનો વહેલો અમલ કરવા હાકલ કરી. તેમણે કહ્યું કે 1 જુલાઈ, 2019 સુધીમાં ડિજિટલ અસ્કયામતો માટે ફેડરલ નિયમન અમલમાં આવવું જોઈએ.
2020ના મધ્યમાં પુતિને બે નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા પછી ક્રિપ્ટોકરન્સી સંબંધિત નક્કર નિયમો અમલમાં આવ્યા. તેઓએ કહ્યું કે બિટકોઈન, ઈથર અને અન્ય ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગને મંજૂરી આપવામાં આવશે પરંતુ તેનો ઉપયોગ વસ્તુઓ અને સર્વિસિસની ચૂકવણી માટે કરવામાં આવશે નહીં પરંતુ 2021માં પુતિન સીએનબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં નિવેદન ફેરવી તોળ્યું અને ક્રિપ્ટોકરન્સી દેશમાં ચાલુ રહેશે અને તેનો ઉપયોગ ચૂકવણી માટે થઈ શકશે.
જોકે 2022ની શરૂઆતમાં રશિયાની સેન્ટ્રલ બેંકે ક્રિપ્ટોકરન્સી પર મોટા પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. તેણે સરકારને એવા કાયદા ઘડવા કહ્યું કે જે રશિયામાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ, માઈનિંગ અને ઉપયોગને ગેરકાયદેસર બનાવે. અંતે તમામ પાસાંઓને ધ્યાને લઈને રશિયાએ આજે બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી થકી લેવડ-દેવડ કરવાની પ્રક્રિયા પર પ્રતિબંધ મુક્યો છે.