મુંબઇ _: એક તરફ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઇ રહ્યું છે, તો બીજી તરફ મહત્વના ખેલાડી રિંગમાંથી બહાર થાય એવી સ્થિતિનું નિર્ણાણ થયું છે. એકનાથ શિંદેએ વિરોધનું બ્યૂગલ ફૂંકતાં શિવસેના આઘાડી સરકારના માથે સંકટ ઘેરાયું છે. આ રાજકીય ડ્રામાનો અંત પોતાની તરફે આવે એવી દોડાદોડી વચ્ચે રાજ ઠાકરે ક્યાંય દેખાઇ રહ્યા નથી. વાત કંઇ એમ છે કે એમએનએસના નેતાની હીપની સર્જરી થયા બાદ ડૉક્ટરોએ તેમને આટલો સમય આરામ કરવાની સલાહ આપી હોવાથી તેઓ સભા, ભાષણ કે મીટિંગ કરી શકશે નહીં.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેની ગઈ કાલે હીપના હાડકાની સર્જરી કરવામાં આવી હતી, જે સફળ રહી હોવાનું જાણવા મળ્યું હતું. સર્જરી કરનારા ડૉક્ટરોએ રાજ ઠાકરેને ત્રણેક મહિના સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હોવાથી તેઓ ચૂંટણીઓ માથા પર હોવા છતાં પ્રચાર નહીં કરી શકે. રાજ ઠાકરેની સર્જરી કરનારા ડૉ. જલીલ પારકર અને ડૉ. વિનોદ અગ્રવાલે સર્જરી સફળ રહી હોવાનું અને તેમને લાંબો આરામ કરવાની જરૂર હોવાનું ગઈ કાલે કહ્યું હતું. મુંબઈ સહિત રાજ્યની અનેક મહાનગરપાલિકાની ચૂંટણીઓ માથા પર છે ત્યારે જ રાજ ઠાકરે એમાં પ્રચાર નહીં કરી શકે.
રાજ ઠાકરેના હીપના હાડકાની ગઈ કાલે બાંદરામાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જે દોઢ કલાક ચાલી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે ‘ઑપરેશન બાદ તેમને ચારથી પાંચ દિવસ પછી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. આ દરમ્યાન તેમને ફિઝિયોથેરપી આપવામાં આવશે જે તેઓ ઘરે ગયા બાદ પણ અમુક સમય ચાલુ રહેશે. તેમણે સંપૂર્ણપણે ફરી કામકાજ શરૂ કરવા માટે ત્રણેક મહિના આરામ કરવો પડશે.’
ડૉક્ટરોએ વધુમાં કહ્યું હતું કે ‘રાજ ઠાકરે જ્યાં સુધી તેમના પગ પર ઊભા નહીં રહી શકે ત્યાં સુધી કોઈ પણ સભા, ભાષણ કે મીટિંગ નહીં કરી શકે. સર્જરી બાદ થોડા સમય સુધી તેમણે સપોર્ટ લઈને ચાલવું પડશે.’