રાજકોટઃ ચેકડેમમાં ડૂબી જતાં ત્રણ લોકોના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં પિતા અને બે પુત્રોના મોત નિપજ્યા છે. પત્નીની નજર સમક્ષ પતિ અને બે પુત્રોના મોત નિપજતાં તેણી ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ચેક ડેમ ક્રોસ કરતા સમયે આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે. બંને બાળકોને પિતાએ ખભે બેસાડ્યા હતા. પિતાનો લગ લપસતાં બંને પુત્રો સાથે તે ચેકડેમમાં ગરકાવ થઇ ગયા હતાં.
આ અંગેની વધુ વિગત એવી છે કે, પડધરી તાલુકાના જીલરીયા ગામની સીમમાં આવેલા ચેકડેમમાં આ દુર્ઘટના ઘટી છે. વશરામભાઈ પ્રેમજીભાઈ બુસાની વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના મદનભાઈ (ઉં.વ.35) તેમના બે અને 5 વર્ષની ઉંમરના બાળકોને ખભે ઉંચકીને ચેકડેમ પસાર કરવા જતાં આ દુર્ઘટના ઘટી હતી અને ત્રણેયના મોત નીપજ્યા છે. એક વાડીથી બીજી વાડી તરફ જતા સમયે આ દુર્ઘટના ઘટી હતી. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં ઝરણાં, નદી, ધોધ, ડેમમાં આ પ્રકારની દુર્ઘટના સર્જાતી રહે છે. પાણીનો મોહ પ્રવાસીઓને આકર્ષે છે. પાણીમાં ગેલ ગમ્મત કરતાં કરતાં શાનભાન ગુમાવી બેસનારા ક્યારેક જીવથી પણ હાથ ધોઇ બેસે છે. ઝરણાં કે નદી નાળાં ઓળંગતી વખતે પણ આવી દુર્ઘટના બાબતે વિશેષ ધ્યાન રાખવું આવશ્યક થઇ પડે છે.