મુંબઈ : બોલીવૂડના ચોકલેટી એક્ટર રણબીર કપૂર લગ્ન બાદ હવે પોતાની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં વ્યસ્ત થયો છે. આ બહુઅપેક્ષિત ફિલ્મના પ્રચાર પ્રસાર માટે તેણે ભારત ભ્રમણ શરુ કર્યું છે. મોટી શહેરોમાં તે પ્રમોશન ઇવેન્ટ યોજી રહ્યો છે. વિશાખાપટ્ટનમમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન રણબીર કપૂરની સાથે ડિરેક્ટર SS રાજામૌલી અને અયાન જોવા મળ્યા હતા. વિશાખાપટ્ટનમમાં રણબીર કપૂરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રણેય સ્ટાર્સ આંધ્ર પ્રદેશના વિઝાગમાં ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળે છે.
આ દરમિયાન રણબીર કપૂરને તેના ફેવરિટ તેલુગુ સ્ટાર વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. અભિનેતાએ સુપરસ્ટાર અલ્લુ અર્જુન, યશનું નામ નહોતું લીધું પરંતુ અન્ય કોઈ સ્ટારનું નામ લીધું હતું. સાથે જ તેણે અભિનેતાને પોતાનો સારો મિત્ર હોવાનું ગણાવ્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં રણબીર કપૂર સાથે અયાન મુખર્જી, રાજામૌલી સ્ટેજ પર બેઠેલા જોવા મળે છે. ફેન્સ જોરશોરથી રણબીરનું નામ બોલી રહ્યા છે. જ્યારે રણબીરને તેના ફેવરિટ સ્ટાર વિશે પૂછવામાં આવ્યું તો કહે છે, ‘હું માય ડાર્લિંગ પ્રભાસનું નામ લઈશ. તે મારો સારો મિત્ર છે અને તમામ સ્ટાર્સ સારા છે પરંતુ હું તેને જ પસંદ કરીશ. તો હું મારા ડાર્લિંગ પ્રભાસને કહીશ.’
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી ‘બ્રહ્માસ્ત્ર’નો પ્રથમ ભાગ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને 3 ભાગમાં બનવામાં આવી છે. આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા અને રણબીર પહેલી જ વાર એક સાથે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન પણ જોવા મળશે.