સુરત, તા.30 માર્ચ…
દેશના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા શહેરોમાં સમાવિષ્ટ સુરતમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે. રોડ સાઇડ બેફામ પાર્કિંગ અને રફ ડ્રાઇવીંગ આ સમસ્યાનું જડ કહેવાય છે. પોલીસ દ્વારા આ મુદ્દાઓના ઉકેલની દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરમાં બેફામ દોડી રહેલા વાહન ચાલકો વિરુદ્ધ હાઈટેક અભિયાન હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સુરત શહેર પોલીસને આજરોજ 30 લેજર ગન ફાળવવામાં આવતા આ લેસર ગનની મદદથી ઓવરસ્પીડ ડ્રાઈવ કરતાં વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશનર અજય કુમાર તોમરે કહ્યું હતું કે, શહેરમાં જીવલેણ અકસ્માતોના મોટા ભાગ કિસ્સાઓમાં ઓવર સ્પીડ જવાબદાર હોય છે જેને પગલે આ લેસર ગન વાહન ચાલકોને નિર્ધારિત સ્પીડમાં વાહન ચલાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ લેસર ગન અંગે વિસ્તૃત માહિતી આપતાં અજયકુમાર તોમરે જણાવવામાં આવ્યું હતું કે, આ શહેરમાંથી પસાર થતા હાઇવે અને સ્ટેટ હાઈવે સહિતના રસ્તાઓ પર નિર્ધારિત સ્પીડ મર્યાદાનું ઉલ્લંઘન કરીને બેફામ દોડતા વાહન ચાલકો વિરુદ્ધ હવે દંડાત્મક કાર્યવાહી વધુ સરળ બનશે. બેફામ દોડતાં વાહનોને દુરથી જ પકડી પાડવાની સાથે વાહન ચાલકોને સ્પોટ ફાઈન કરવામાં આવશે.

આ સિવાય જો કોઈ સંજોગોમાં વાહન ચાલકો નાસી છૂટશે તો તેઓને ઈ-ચલણ થકી દંડ ભરવો પડશે. તેઓએ જણાવ્યું હતું કે, લેજર ગન શહેરના રસ્તાઓ પર વાહનોની ગતિ મર્યાદા જાળવી રાખવામાં સૌથી વધુ કારગર સાબિત થશે. આજે શહેરના 30 અલગ – અલગ વિસ્તારોમાં જ્યાં બેફામ વાહનો દોડતા હોવાની ફરિયાદો સાંપડી છે ત્યાં આ લેજર ગન સાથે ટ્રાફિક પોલીસની નિમણૂક કરવામાં આવી છે. આ સુવિધાને પગલે શહેરના રસ્તાઓ વાહન ચાલકો માટે સલામત બનશે અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ નિશ્ચિતપણે ઘટાડો થશે તેવો આશાવાદ પોલીસ કમિશનર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તોમરે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સુરત શહેરમાં ફ્લાયઓવર અને રેલવે ઓવર બ્રિજની સંખ્યા સૌથી વધુ છે. આ સ્થિતિને પગલે ઘણી વખત વાહન ચાલકો બ્રિજ પર ઓવરસ્પીડ વાહનો ચલાવતા હોય છે. જેને પગલે હવે તેઓની ગતિ મર્યાદાને કાબુમાં રાખવામાં લેસર ગન મહત્વની ભૂમિકા નિભાવશે. ટ્રાફિક સરળતાથી ચાલતો રહે, અકસ્માત ન સર્જાય એ માટે પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. શહેરીજનો ટ્રાફિકના નિયમો પાળી સાથ સહકાર આપે તો આ સ્થિતિમાં હજી સુધારો થઇ શકે એમ છે.

**શહેરમાં વાહનોની સંખ્યા વધી, અકસ્માતો ઘટ્યા
પોલીસ કમિશનર તોમરે આજે જણાવ્યું હતું કે, શહેરમાં 2018માં કુલ વસ્તી 64 લાખ અને વાહનોની સંખ્યા 30.74 લાખ હતી. જેમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સુરત શહેરની વસ્તી 80 લાખને વટાવી ચૂકી છે તો વાહનોની સંખ્યા પણ 38 લાખને પાર પહોંચી છે. આ સ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવાનો પડકાર ઉભો થઈ રહ્યો છે.

વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યામાં વધારો થતા જીવલેણ અકસ્માતોની સંખ્યા સામાન્ય રીતે વધે છે. જો કે પોલીસના પ્રયાસ અને શહેરીજનોની જાગૃતતાના કારણે અહીં જીવલેણ અકસ્માતો ઘટ્યા એ ગૌરવની વાત હોવાનું તોમરે કહ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો સાથે વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્શમાં વધારો થતા અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સને 2018માં સુરત શહેરમાં જીવલેણ અકસ્માતોની સંખ્યા 324 હતી જે 2022માં ઘટીડને 293 પહોંચી છે. આ સિવાય ગંભીર અને સામાન્ય ઈજાઓમાં પણ ઘટાડો નોંધાયો છે. 2018ની તુલનામાં 2022માં અકસ્માતોની સંખ્યામાં 329નો ઘટાડો નોંધાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

**સ્ટંટ કરનારા બાઇકર્સ પર અંકુશ લાગશે
શહેરના અઠવા લાઈન્સથી એરપોર્ટ સુધીનો રસ્તો, યુનિવર્સિટી રોડ વેસુ વીઆઈપી રોડ, ન્યુ સિટી લાઇટ રોડ, સ્ટંટ કરતાં નબીરાઓ માટે પંકાયેલો છે. શનિવાર અને રવિવારે ખાસ કરીને આ રસ્તા પર બેફામ સ્ટંટ કરતાં વાહનોના વીડિયો છાશવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. આ સિવાય ફોર વ્હીલ ગાડીઓ પણ આ રસ્તા પર ઓવર સ્પીડમાં દોડતી હોવાને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે. આ સ્થિતિમાં અહીં ત્રણથી ચાર પોઈન્ટ પર લેસર ગન સાથે ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસને કારણે આ પ્રકારના ન્યૂશન્સ પર નિશ્ચિતપણે અંકુશ લાગશે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

** આ સ્પોર પર પોલીસ લેસર ગન સાથે કરશે ચેકિંગ
(1) સીમાડા ચાર રસ્તા (2) નવજીવન બ્રીજ પર (3) વાલક પાટીયા (4) હીરાબાગ (5) વૈશાલી બ્રીજના છેડે (6) ગોડાદરા ડિંડોલી રોડ બ્રિજ (7) સીઆર પાટીલ બ્રીજ (8) આંજણા બ્રીજ (9) ઉધના રોડ (10) ઇન્ટરસિટી ખાડી બ્રિજ (11) પરવત પાટિયા બ્રિજ (12) ગોટાલાવાડી ત્રણ રસ્તા (13) ડભોલી બ્રિજ ઉતરતા (14) ઉત્કલ નગર બ્રિજ ઉતરતા (15) રાહુલરાજ મોલ (16) પનાસ જકાતનાકા (17) બ્રેડ લાઈનર સર્કલ (18) આલ્ફા હોલટ (19) સિદ્ધાર્થનગર (20) તિરૂપતિ સર્કલ (21) સચિન ગેટ