ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનના કારણે કન્હૈયાલાલની જેહાદી હત્યા મુદ્દે રાજકારણ પણ ગરમાય રહ્યું છે. ઘણા નેતાઓ જ નહી ધાર્મિક સામાજિક આગેવાનોએ પોતપોતાની રીતે ઘટનાને વખોડી છે, નિંદા કરી છે. આ સીલસીલામા રાહુલ ગાંધીએ કરેલી ટ્વીટ મુદ્દે ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે આકરી પ્રતિક્રિયા સાથે વખોડતા માહોલ ગરમીયો છે.
કટ્ટરવાદી યુવકો દ્વારા કનૈયાલાલની ધોળા દિવસે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. એટલુજ નહિ હત્યારાઓએ તાલિબાનોની માફક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો. આ મામલે વિવિધ નેતાઓ તથા રાજકીય દળોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ઉદયપુરની ઘટનાના અનુસંધાને એક ટ્વિટ કરી હતી. જોકે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મામલે રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી. હકીકતે રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં ‘ધર્મના નામે બર્બરતા’ એવો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીને ટેગ કરીને સલાહ આપતા લખ્યું હતું કે, ધર્મ નહીં.. ‘મજહબ’.
શું હતી એ ટ્વિટ
રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ઉદયપુરમાં થયેલી જઘન્ય હત્યાથી હું ખૂબ જ સ્તબ્ધ છું. ધર્મના નામે બર્બરતા સહન ન કરી શકાય. આ હેવાનિયતથી આતંક ફેલાવનારાઓને ઝડપથી આકરી સજા મળે. આપણે સૌએ સાથે મળીને નફરતને હરાવવાની છે. હું સૌને વિનંતી કરૂં છું કે, મહેરબાની કરીને શાંતિ અને ભાઈચારો જાળવી રાખો.’
ત્યાર બાદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીની 28 ઓક્ટોબર 2021ની એક ટ્વિટને ટેગ કરીને સવાલ કર્યો હતો કે, ‘આમના ત્રિપુરાના ભાઈઓએ રાજસ્થાનમાં આ શું કરી દીધું?’
તે ટ્વિટમાં રાહુલ ગાંધીએ ત્રિપુરાની સાંપ્રદાયિક ઘટના અંગે લખ્યું હતું કે, ‘ત્રિપુરામાં આપણા મુસલમાન ભાઈઓ પર ક્રૂરતા થઈ રહી છે. હિંદુના નામે નફરત અને હિંસા કરનારાઓ હિંદુ નહીં પણ ઢોંગી છે. સરકાર ક્યાં સુધી આંધળી-બહેરી હોવાનું નાટક કરતી રહેશે?’
ઉલેખનીય છે કે જેહાદી હત્યાનો ભોગ બનેલા કનૈયાલાલનો મૃતદેહ બુધવારે લગભગ 11 વાગ્યે ઘરે પહોંચ્યો હતો. એમબી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કન્હૈયાનો મૃતદેહ ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ પોલીસની સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દોષિતોને ફાંસીની સજા આપવાની માગ કરી હતી.
કન્હૈયાના ઘરે પરિવારજનો તથા સબંધીઓ હૈયાફાટ રુદન કરી રહ્યા છે. કન્હૈયાના પુત્રને રડતો જોઈ ત્યાં હાજર બધા લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. ઘરની બહાર મોટી સંખ્યામાં નગરજનો એકઠા થઈ ગયા હતા. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહતી. ચીસોની વચ્ચે ભીડે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખવા માટે આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત હતા.