સુરત, તા.17 ફેબ્રૂઆરી…
રાજ્ય સરકાર ઇ ફરિયાદ કહો કે ઓનલાઇન ફરિયાદની સુવિધા નાગરિકોના સમય, શક્તિ અને નાણાંનો વ્યય અટકાવવા ના હેતુથી શરૂ કરાયાનો દાવો કરાયો હતો. જો કે આ દાવો અમલીકરણ મુદ્દે પોકળ સાબિત થતા જોવા મળ્યા છે. ઇ ફરિયાદને એફઆઇઆરમાં કન્વર્ટ કરવાના રેશિયો ખૂબ નીચો જોવા મળતાં ગાંધીનગરથી ઠપકો આવ્યો હતો. ત્યારબાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકોના ઇન્સપેક્ટરને બોલાવી ઇ ફરિયાદને એફઆઇઆરમાં કન્વર્ટ કરવા તાકીદ કરી હતી. કમિસનરની કડક સૂચનાને પગલે એક સાથે 70થી વધું ફરિયાદો દાખલ થઇ ગઇ છે.

મળતી માહિતી અનુસાર દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ ઇ એફઆઇઆરના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં ઇ એફઆઇઆર ની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સુવિધા શરૂ કરાયાને આઠેક મહિના જેટલો સમય વિતી ગયો છે. જો કે નાગરિકોને તેને કડવો અનુભવ થઇ રહ્યો છે. ઇ એફઆઇઆર કરાયાના 48 કલાકમાં તેની પ્રાથમિક તપાસ કરી એફઆઇઆર નોંધવાની જોગવાઇ છતાં એ દિશામાં પરિણામલક્ષી કામ થઇ રહી ન હોવાનો સિનારિયો જોવા મળી રહયો છે.

રાજ્યના મોટા શહેરોમાં દર મહિને દોઢ હજાર જેટલી ઇ એફઆઇઆર થઇ હતી. જો કે તેની તાત્કલિક તપાસ કરી તેને એફઆઇઆરમાં કન્વર્ટ કરવાનો રેશિયો માંડ 5 થી 7 ટકા જ રહ્યો છે. સરકારની જનસુખાકારી યોજના અને મોટા ઉપાડે એની કરાયેલી જાહેરાત પર પોલીસે પાણી ફેરવી નાંખ્યું એવું ચિત્ર ઉપસ્યું છે. આ વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધ્યાન પર આવતાં તેમણે ડીજી વિકાસ સહાય સાથે મિટિંગ યોજી હતી. ઇ-એફઆરઆઇ ને એફઆરઆઇમાં કન્વર્ઝન રેશિયો ખૂબ નીચો જણાતાં આ બંને જણાએ તમામ શહેર અને જિલ્લાના પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

આ કોન્ફરન્સમાં ગૃહમંત્રીના આકરા તેવર જોવા મળ્યા હતાં. ગૃહમંત્રીએ ઠપકો આપતાં અધિકારીઓ દોડતાં થઇ ગયા હતાં. શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પણ આ મામલે તાબડતોડ પોલીસ ઇન્સપેક્ટર્સની મિટિંગ બોલાવી હતી. જે પોલીસ મથકોમાં ઇ એફઆરઆઇ પેન્ડિંગ હોય તેની તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહીના હુકમ કરાયા હતાં. તોમરે તતડાવ્યા બાદ શહેરના તમામ પોલીસ મથકોમાં સ્નેચિંગની ફરિયાદોનું જાણે ઘોડાપૂર આવ્યું છે. એક જ દિવસમાં 70 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી. જેમાં લીંબાયતમાં 25, ઉધનામાં 15, ડીંડોલીમાં 15, ગોડાદરામાં 05, ચોકબજારમાં 03, વેસુમાં 03 ફરિયાદ થઇ હતી.

*** ઇ એફઆઇઆર આ સંજોગોમાં નોંધાવી શકાય
ઇ એફઆઇઆર ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ એફઆઇઆરમાં રૂપાંતરિત કરવામાં આવશે. ઇ એફઆઇઆર સુવિધાની કાર્યપ્રણાલી અંગે યાદીમાં જણાવાયું છે કે, ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટ આઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ કરવાની રહે છે.

*** પોલીસ કમિશનર બાદ ડીસીપીની દમ પરેડ
સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્નેચિંગના કિસ્સાઓમાં થતી ઇ એફઆઇઆરની ગાઇડલાઇન અનુસાર તપાસ અને તેને એફઆરઆઇમાં કન્વર્ટ કરવાના રેશિયો અંગે તમામ પોલીસ મથરોના ઇન્સપેક્ટર તથા ડીસીપીની મિટિંગ લીધી હતી. બુધવારે આ મિટિંગમાં કમિશનરે આ પ્રકરણમાં માત્ર 5 થી 7 ટકા રેશિયો શરમ જનક હોવા મતલબની વાત કરી હતી., આ સાથે જ તેમણે પેન્ડીંગ ઇ-એફઆઇઆરના નિકાલ માટે ઝુંબેશ શરૂ કરવા માટે તાકીદ પણ કરી હતી. પોલીસ કમિશનરની આ મિટિંગમાં નાયબ પોલીસ કમિશનરોને પણ મોનિટરિંગ માટે વિશેષ સૂચના અપાઈ હતી. ઉપરથી રેલો આવતા ડીસીપી દ્વારા પણ પોલીસ ઇન્સપેક્ટર્સને બોલાવી દમ પરેડ કરાઈ હતી. તમામ પોલીસ મથકોને શક્ય એટલી ઝડપથી ઇ એફઆઇઆરનો યોગ્ય નિકાલ કરવાની તાકીદ કરાઈ છે.