અધિકારીઓનું રાજકારણ રાજકણીઓને પણ ગોટે ચઢાવે એવું હોય છે. આવા રાજકારણ મુદ્દે રાજકોટ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. રાજકોટના ઉદ્યોગપતિના ફસાયેલા નાણા કઢાવી દેવા માટે 75 લાખના કમિશન કાંડમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સુરેન્દ્રનગરમાં સીંગ-દાળીયાની માફક નાણા લઈ હથિયારના લાયસન્સ ઈસ્યુ કરવા મુદ્દે આઈ.એ.એસ. કે.રાજેશ સામે તપાસ ચાલી રહી છે. રાજકીય ખીલે ઉછળતાં આ બંનેની શાન ઠેકાણે લાવવા માટે ગૃહ વિભાગ દ્વારા બે નિવૃત આઈ.પી.એસ. અધિકારી એ.કે. સીંઘ અને કેશવકુમારની પેનલ બનાવી ઈન્કવાયરી સોંપવામાં આવતા પોલીસ અને સનદી અધિકારીઓમાં સોંપો પડી ગયો છે. આ બંને અધિકારીઓ તેમની તટસ્થ તપાસ અને પ્રામાણિકતાં માટે જાણીતા હોવાથી મામલો વધુ ગરમાયો છે.
રાજકોટના તત્કાલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે હાલ જે તે એજન્સી દ્વારા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હાલના આઈપીએસ કે આઈએએસ અધિકારીઓ અન્ય કામમાં વ્યસ્ત હોવાના કારણે બન્ને તપાસને ન્યા આપી શકતા ન હોય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તટસ્થ તપાસ થાય તે માટે નિવૃત આઈ.પી.એસ. અધિકારીની પેનલ તૈયાર કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર એ.કે.સિંઘ અને એન્ટી કરપ્શન બ્યુરોના પૂર્વ વડા કેશવકુમારની પેનલમાં નિમણુંક કરીને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારની તપાસ સોંપવામાં આવી છે.

રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના ઉદ્યોગપતિના ફસાયેલા કરોડો રૂપિયા કઢાવી દેવા માટે 75 લાખ રુપિયા કમિશન લેવામાં આવ્યું હોવાનો આરોપ પુરાવા સાથે મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનેક જમીન કૌભાંડમાં પણ મલાઈ તારવી લીધી હોવાના આક્ષેપો થતા આઈ.પી.એસ. અધિકારી મનોજ અગ્રવાલની સજા રૂપે સોરઠ ચોકી ટ્રેનીંગ સેન્ટર ખાતે બદલી કરી નાખવામાં આવી હતી. મનોજ અગ્રવાલ સામેના આક્ષેપોની ખાતાકીયઈન્કવાયરી એડીશનલ ડી.જી. વિકાસ સહાયને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ એન્ટીકરપ્શન બ્યુરોને સોંપવામાં આવી હતી. પરંતુ ટ્રેનીંગ સેન્ટરના વડા વિકાસ સહાય અને એ.સી.બી.ના વડા પાસે કામનું ભારણ હોવાના કારણે આઈ.પી.એસ. મનોજ અગ્રવાલની તપાસને ન્યાય આપી શકતા ન હોવાની ગૃહ વિભાગને રજૂઆત કરી હતી.
બીજીબાજુ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ પોતાની ફરજ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં સીંગ-દાળીયાની માફક વહીવટ કરીને હથિયાર લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠતા સી.બી.આઈને આઈ.એફ.એસ. અધિકારીના ભ્રષ્ટાચારની તપાસ સોંપવામાં આવી હતી. અને સી.બી.આઈ. એ કે. રાજેશના નિવાસ સ્થાન સહિતના સ્થળોએ દરોડા પાડી કરોડોની રોકડ કબ્જે કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હોય જેની તપાસ ગૃહ વિભાગે બનાવવામાં આવેલી પેનલને સોંપવામાં આવી છે. નિવૃત આઈ.પી.એસ. એે.કે. સિંઘ અને કેશવકુમારની પેનલ દ્વારા આક્ષેપીત ભ્રષ્ટ અધિકારીઓ પ્રાથમીક અને ખાતાકીય તપાસ કરી અહેવાલ ગૃહવિભાગને સોંપશે.
રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપોની તપાસ માટે રાજ્યમાં સૌપ્રથમ વખત બે નિવૃત આઈ.પી.એસ. અધિકારી એ.કે. સિંઘ અને કેશવકુમારની પેનલ બનાવવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલના વડા નિવૃત આઈ.પી.એસ એ.કે. સિંઘ અને કેશવકુમારની ટીમ તપાસ માટે રાજકોટ અને સુરેન્દ્રનગરની મૂલાકાત લઇ ફરિયાદીઓ તથા સાક્ષીઓને સાંભળી તેમના નિવેદનો લેશે, પુરાવાઓની તપાસ અને સમીક્ષા કરશે એવું જાણવા છે.
અત્રે ઉલ્લેખનીય થઇ પડે છે કે, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની એડીશનલ ડી.જી. વિકાસ સહાયે પ્રાથમિક તપાસ કરી રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરતા જેના રિપોર્ટ બાદ ગૃહ વિભાગ દ્વારા મનોજ અગ્રવાલની જુનાગઢ સોરઠ ચોકી ટ્રેનીંગ સેન્ટર ખાતે સજારૂપે બદલી કરી પૂર્વ મંજુરી વગર ટ્રેનીંગ સેન્ટર ન છોડવાનો આદેશ કર્યો હતો.