મુંબઇ : મહારાષ્ટ્રમાં એમએલસી ચૂંટણીમાં ક્રોસ વોટિંગના સમાચાર પછી રાજ્ય સરકારમાં મંત્રી એકનાથ શિંદે ઘણા ધારાસભ્યો સાથે સુરત જતા રહેતા સરકાર જોખમમાં છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે શિવસેનામાં કોઈ પ્રસ્તાવને સ્થાન નથી. ધારાસભ્યોના સંબંધીઓએ જણાવ્યું કે તેમના ઘરના સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. સરકાર અઢી વર્ષની ટર્મ પૂરી કરશે, પેટાચૂંટણી કોઈ ઈચ્છતું નથી. ધારાસભ્યોને રાત્રિ ભોજન માટે બોલાવાયા હતા તેમને છેતરીને સુરત લઈ જવામાં આવ્યા છે. સંજય રાઉતે ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે કહ્યું શિવસેનાના બે ધારાસભ્યોને માર મારવામાં આવ્યો છે.

શિવસેનાના નેતાએ કહ્યું કે ગુજરાતમાંથી ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસે અમારા ધારાસભ્યોને માર માર્યો છે. નીતિન દેશમુખને માર મારવામાં આવ્યો છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ઘણા ધારાસભ્યો પાછા આવવા માંગે છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ધારાસભ્યોને શા માટે રાખવામાં આવ્યા ? સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર શિવસેના ઉદ્ધવ ઠાકરેની સાથે છે.
શિવસેના સંપૂર્ણપણે હિન્દુત્વ સાથે ઉભી છે. ભૂકંપ નહીં આવે. ભાજપે પહેલા પણ પ્રયાસ કર્યો છે અને આ વખતે પણ સફળ થશે નહીં. મહારાષ્ટ્ર સરકારને અસ્થિર થવા દેશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે મને નથી લાગતું કે મહારાષ્ટ્ર સરકારને કંઈ થશે. આ સાથે શિવસેનાના નેતા રાઉતે કહ્યું કે તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં પરત ફરશે.
આ પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં કુલ 18 ધારાસભ્યો હાજર રહ્યા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકારને કોઈ ખતરો નથી. નારાજ લોકો મનાવવામાં આવશે કરશે. બીજી તરફ શિવસેનાએ પણ એકનાથ શિંદે પર મોટી કાર્યવાહી કરી છે. શિવસેનાએ તેમને ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી દીધા છે. આ સાથે શિવસેના દ્વારા અજય ચૌધરીને વિધાયક દળના નવા નેતા બનાવવામાં આવ્યા છે.