સુરત: સોશિયલ મિડિયા ઘણાં એન્ટી સોશિયલ એક્ટિવીટી માટેનું પ્લેટફોર્મ બની રહ્યું છે. નજર હટી દુર્ઘટના ઘટી એ ટ્રાફિકનું સ્લોગ અહીં પણ લાગુ પડી રહ્યું છે. સુરતમાં આવો વધું એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં સોશિયલ મીડિયા ગુનાઇત એક્ટિવીટીનું કેન્દ્ર રહ્યું હોય. અહીં સાડીનો વેપાર કરતા યુવાને સોશિયલ મીડિયા એપ્લિકેશનની મદદથી યુવતીને ફસાવી પોતાની ઓફિસમાં બોલાવી અને ચીરહરણ કર્યું હતું. સગીરા સાથે બળાત્કાર ગુજારવાના આ કેસમાં સરથાણા પોલીસે કાયદેસરના પગલાં લઈને ફરિયાદ નોંધી છે.
મળતી માહિતી અનુસાર સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક પાસે ધો.8માં અભ્યાસ કરતી કિશોરી સાથે શરમજનક ઘટના બની હતી. ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર સાડીનો વેપારી સંપર્કમાં આવ્યો હતો. વેપારીએ એ અબુધ સગીરાને વાતોની માયાજાળમાં ફસાવી અને મળવા માટે બોલાવી હતી. સગીરા પણ ફસાઇ અને ઘરે બહેનપણીને મળવા જાઉ છું એમ કહી વેપારી પાસે પહોંચી ગઇ હતી. પહેલા યુવાન વેપારી સગીરાને સરથાણા પાસે આવેલા સરદાર ફાર્મમાં લઈ ગયો ત્યાંથી સગીરાને બાઈક પર બેસાડી કેનાલ રોડ પર આવેલી TTC બિલ્ડિગના બીજા માળે લઈ ગયો હતો.
ઓફિસમાં પહોંચતાં જ વેપારીએ તેનું પોત પ્રકાશ્યું હતું. વાતચિતના બહાને તે નિકટ ગયો અને અડપલાં કરવા માંડ્યો હતો. સગીરા તેની બદદાનત પારખી ગઇ હતી. સગીરાએ હવસખોરથી બચવા માટે એને ચંપલ માર્યું હતું. જો કે વેપારીએ તેને તાબે કરી લીધી હતી. યુવકે કહ્યું કે, તારામાં હિંમત હોય તો મને મારીને બતાવ. પછી સગીરના બન્ને હાથ પકડીને એના પર કુકર્મ આચર્યું હતું. પછી તે સગીરાને યોગીચોક પાસે આવેલા ડી માર્ટ પાસે છોડીને ચાલ્યો ગયો હતો.
બીજી તરફ માતાને એવી આશંકા ગઈ હતી કે, સખીના ઘરે જવાનું કહીને દીકરી કશે બીજે ગઈ હતી. દીકરી તેની બહેનપણી શૈલીના ઘરે નહીં બીજે ક્યાંક ગઈ છે. જ્યારે સગીરા પાછી ફરી ત્યારે માતાએ કડકાઈથી વાત કરતા સમગ્ર કેસ સામે આવ્યો હતો. સગીરાએ તેની સાથે જે કંઇ ઘટ્યું એ જણાવી દીધું હતું. પરિવારે પણ મામલો દબાવવાની જગ્યાએ હિંમતભેર એ લંપટ વેપારી સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ કરી છે.