નવી દિલ્હી : આમ આદમી પાર્ટી પોતાની સ્વચ્છ છબી આગળ કરી અન્ય રાજ્યોમાં પગપેસારો કરવા મથામણ કરી રહી છે ત્યાં તેના મંત્રી અને નેતાઓ વિવાદમાં આવી રહ્યા છે. પંજાબના મંત્રી લાંચકાંડમાં સપડાયા બાદ હવે દિલ્હી સરકારના મંત્રી મની લોન્ડિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે. મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધતી જઈ રહી છે. ઈડી દ્વારા મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 9 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સોમવારે ઈડીએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીની હવાલા સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરી હતી. જૈનની ઉપર 4.81 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગનો કેસ છે.
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ઇડી દ્વારા અટકાયતમાં લઇ પૂછપરછ કરવામાં આવી હતી. મની લોન્ડ્રિંગ મામલે ઇડીની તપાસમાં કેટલીક મહત્વની બાબતો હાથ લાગતાં તેના આધારે કહો કે તેને સંબંધિત વધુ તપાસ કરવાની આવશ્યકતાં જણાતાં જૈનને મંગળવારે રાઉસ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ઈડીએ સત્યેન્દ્ર જૈનને રાઉસ એવન્યુ કોર્ટના CBI જજ ગીતાંજલી ગોયલની કોર્ટમાં રજૂ કરાયા છે. ઈડીએ કોર્ટને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન માટે 14 દિવસની કસ્ટડીની માગ કરી.
ઈડીનુ કહેવુ છે કે જૈન તેમની સામે ચાલી રહેલા મની લોન્ડ્રિંગની તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સીની સાથે સહયોગ કરી રહ્યા નથી. જૈનને આ કેસમાં કથિત રીતે સામેલ ગણાવાઈ રહ્યા છે. ઈડીનુ કહેવુ છે અમારે 14 દિવસની કસ્ટડી એટલા માટે જોઈએ કેમ કે અમારે તપાસ કરવાની છે કે હવાલા દ્વારા આવતા રૂપિયા સત્યેન્દ્ર જૈનના હતા કે અન્ય કોઈના, જૈને વર્તમાન પુરાવા પર કોઈ પણ સંતોષ જનક જવાબ આપ્યો નથી.
ઈડીએ કહ્યુ કે આ મામલે સત્યેન્દ્ર જૈનને આગોતરા જામીન પણ આપવા જોઈએ નહીં. જો સત્યેન્દ્ર જૈનને જામીન મળશે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. ઈડીએ કહ્યુ કે આ કેસમાં જે મહત્વના પુરાવા મળ્યા છે તેનો સત્યેન્દ્ર જૈનને સામનો કરાવવાનો છે.
જોકે સત્યેન્દ્ર જૈનના વકીલનુ કહેવુ છે કે આ કેસ 2017થી ચાલી રહ્યો છે અને જે પણ આરોપ લગાવ્યા છે. તેનો કોઈ આધાર નથી. જૈનના વકીલે કહ્યુ કે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સતત તપાસ એજન્સીનો સહયોગ કરી રહ્યા છે. તપાસ એજન્સીની તપાસ કઈ ગતિથી ચાલી રહી છે એ કોઈનાથી છુપાયેલુ નથી. ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર જૈન અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય, ઉદ્યોગ, વિજળી, ગૃહ, શહેરી વિકાસ અને જળ મંત્રી છે.