નવી દિલ્હી, 20 જુલાઈ..
પ્રવેશ પરિક્ષામાં ચાલતી ગેરરિતિ કે ગોટાળામાં વધું એકનો ઉમેરો થયો છે. ડમી ઉમેદવાર બેસાડી NEET મેડિકલ પરીક્ષામાં પાસ કરવાનું મોટું રેકેટ સીબીઆઇએ ઝડપી પાડ્યું છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક સીટની કિંમત રૂપિયા 20 લાખ છે. જેમાંથી 5 લાખ રૂપિયા એ ડમી ઉમેદવારને આપવામાં આવે છે જે વિધાર્થીની જગ્યાએ પરીક્ષામાં બેસીને NEET (the National Eligibility cum Entrance Test)પ્રશ્નોપત્રને સોલ્વ કરે છે. બાકીની રકમ વચેટિયાઓ અને અન્યોમાં વહેંચવામાં આવી હતી.
CBIએ આ કેસમાં દિલ્હીથી NEET પ્રશ્નપત્ર સોલ્વ કરનારા 8માંથી 6 લોકોની ધરપકડ કરી છે. CBIના સૂત્રોનું કહેવું છે કે, મેડિકલની 1-1 સીટ 20 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ રેકેટ 4 રાજ્યોમાં ફેલાયું હતું. સોમવારે CBIએ આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી હતી.આ કેસના માસ્ટરમાઈન્ડ સુશીલ રંજનની સફરદજંગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે પ્રશ્નપત્ર સોલ્વ કરનાર વ્યક્તિની નિમણૂક કરતો હતો અને પેમેન્ટ મેળવતો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રેકેટ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ સક્રિય છે. આ કેસમાં 11 લોકોના નામ સામે આવ્યા છે અને અન્યની શોધખોળ ચાલી રહી છે. તપાસનો વ્યાપ વધારવા માટે CBI જ્યારે ઉમેદવારો સાથે વાત કરશે ત્યારે કોચિંગ સંસ્થાઓની ભૂમિકા પણ તપાસ હેઠળ આવશે. નોંધનીય છે કે, છેતરપિંડી રોકવા માટે, ‘NEET’ માટે સુરક્ષા તપાસ ખૂબ જ આકરી કરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં પર્સ, હેન્ડબેગ, બેલ્ટ, કેપ, જ્વેલરી જેવી વસ્તુઓને મંજૂરી અપાતી નથી. આવી કડકાઇ વચ્ચે ડમી ઉમેદવાર બેસીને પરિક્ષા પાસ કરે એ વધું ચોંકાવનારુ છે.