રશિયા – યુક્રેન વોર હજી ચાલું છે. રશિયા દ્વારા યુક્રેન ઉપર હુમલાઓનો સીલસીલો યથાવત રહ્યો છે. આ વખતે રશિયાએ ખરીદારોથી ખચ્ચોખચ ભરેલા મોલ ઉપર મિસાઇલથી હુમલો કરતાં દુનિયાભરમાં ભારે ચરચાર મચી છે. રશિયાએ યુક્રેનિયન શહેર ક્રેમેનચુકમાં એક શોપિંગ મોલ પર મિસાઈલ હુમલો કર્યો. આ હુમલામાં 16 લોકોના મોત થયા હતા. તે જ સમયે 59 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની ઇમરજન્સી સર્વિસના વડાએ મંગળવારે આ જાણકારી આપી છે. સેર્ગેઈ ક્રુકે ટેલિગ્રામ પર જણાવ્યું કે અત્યાર સુધી અમે 16 મૃતકો અને 59 ઘાયલો વિશે જાણીએ છીએ, જેમાંથી 25 હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળ હટાવવાના પ્રયાસો ચાલુ છે.
અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે જ્યારે મિસાઇલો શહેરમાં ત્રાટકી ત્યારે “હજારથી વધુ નાગરિકો” મોલમાં હતા. ઝેલેન્સકીએ ફેસબુક પર લખ્યું કે મોલમાં આગ લાગી છે, બચાવકર્મીઓ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીડિતોની સંખ્યા નક્કી કરવી કલ્પના બહારની વાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં મોલ આગમાં લપેટાયેલો જોવા મળે છે.
શહેરના મેયર વિટાલી માલેત્સ્કીએ ફેસબુક પર લખ્યું: “ખૂબ ભીડવાળા વિસ્તારમાં ક્રેમેનચુક પર મિસાઇલ છોડવામાં આવી”. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ કિવના સાથી દેશોને વધુ ભારે શસ્ત્રો પૂરા પાડવા અને રશિયા પર નવા પ્રતિબંધો લાદવા હાકલ કરી હતી. અમેરિકી વિદેશ સચિવ એન્ટની બ્લિંકને ટ્વિટર પર કહ્યું: “યુક્રેનમાં ભીડવાળા શોપિંગ મોલને નિશાન બનાવનાર રશિયાના મિસાઈલ હુમલાથી વિશ્વ આજે ભયભીત છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે આ હુમલો રશિયન નેતા વ્લાદિમીર પુતિનની “નિર્દયતા” પ્રતિબિંબિત કરે છે. જ્યારે ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પણ હુમલાની નિંદા કરી છે.