વડોદરા : પોતાનો વ્યક્તિ જ્યારે સતકાર્ય કરે ત્યારે પરિવારના વડીલ, ટીમના લીડર, ડિપાર્ટમેન્ટના વડા ગર્વભેર તેની પ્રસંશા કરતાં હોય છે. કંઇક આવું જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કરતાં આવ્યા છે. પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરી અને છબી લોકાભિમુખ રહે એના સભાનતાં પૂર્વકના પ્રયત્નો કરતાં સંઘવી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધે એ રીતે તેમને પ્રોત્સાહિત કરતાં રહે છે. માનવીય અભિગમ સાથે નિભાવેલી ફરજ કે ફરજ ના હોવા છતાં માવનતાંના ધોરણે કરેલી કાર્યવાહીની અનેક સરાહનીય ઘટનાઓ ખુદ રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના સોશિયલ મિડીયા પર શેર કરતા હોય છે. વડોદરા પોલીસની કંઇક આવી જ સરાહનીય કામગીરીનો એક વિડીયો વાયરલ થયો છે. જેને ગૃહમંત્રી હર્ષ સંઘવી એ પણ નોંધ લીધી છે અને પોતાના ટ્વીટર પર આ વિડીયો શેર કર્યો છે.
મળતી માહિતી મુજબ સામાજીક દાયિત્વ સાથે સુરક્ષા માટે અડીખમ વડોદરા પોલીસના જવાને રસ્તા પર અકસ્માતમાં ભોગ બનેલી યુવતીને ઉંચકીને હોસ્પિટલમાં પહોંચાડી હતી. વડોદરા શહેર રાવપુરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતાં ASI સુરેશભાઈ જમનાદાસની કામગીરીને સૌ કોઇ વખાણી રહ્યા છે. રસ્તા પર જતી યુવતી અકસ્માતનો ભોગ બની ત્યારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોલીસે પોતાના વાનમાં બેસાડી સયાજી હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા. એટલુ જ નહીં યુવતી ગંભીર રીત ઘાયલ થતાં ચાલી શકે તેવી હાલતમાં ન લાગતા ASIસુરેશભાઈ જમનાદાસ પોતાની જ દિકરી સમજી ઉંચકીને હોસ્પિટલનાં બેડ સુધી લઇ ગયા હતા. અને યુવતીને તાત્કાલિક સારવાર મળે તેવી ભલામણ કરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીનો વિડીયો હાલ સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરેશભાઈ જમનાદાસની કામગીરીની પ્રશંસા કરી છે.