ગાંધીનગર : અડાલજ નર્મદા કેનાલ જોગણી માતાના બ્રિજથી ઝુંડાલ તરફ જતા રોડ પાસેથી પુરુષ-એક સ્ત્રીની હત્યા કરી સળગાવી દીધેલી લાશ મળી આવી હતી. આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવા માટે ગાંધીનગર પોલીસ દિવસ-રાત આકાશ-પાતાળ એક કરી રહી છે. યુવક યુવતીની ઓળખ માટે દોડતી પોલીસ રીતસર ચકરાવે ચઢી છે. સીસી કેમેરા, મોબાઇલ ડેટા ડમ્પ અને હ્મુમન ઇન્ટેલીજન્સ એમ તમામ પાસાઓને આવરી લઇ કરાઇ રહેલી તપાસ છતાં પણ હજી કોઈ કડી હાથ લાગી નથી. પોલીસે કંકાલ પરથી મળી આવેલી વીંટીની તપાસ કરતાં મોટા ભાગે આ પ્રકારની વીંટી પહેરવાનું દાહોદ, સૌરાષ્ટ્ર તેમજ સાઉથ ઈન્ડિયન મહિલાઓમાં સૌથી વધુ ચલણ હોવાનું બહાર આવતાં એ દિશામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

સળગાવી દેવાયેલા યુવક યુવતીની ઓળખ માટે પોલીસ દ્વારા કંકાલ પરથી મળી આવેલી ચાંદીની વીંટીને કેન્દ્રમાં રાખી છે. આવી બનાવટથી માંડીને તેને પહેરવાનું ચલણ કયા શહેરોમાં વધારે હોય છે એની પણ તપાસ કરાઈ છે, જેમાં આ પ્રકારની વીંટી દાહોદ, સૌરાષ્ટ્ર તેમજ રાજપીપળાની મહિલાઓ વધુ પહેરતી હોવા ઉપરાંત સાઉથ ઈન્ડિયન મહિલાઓમાં સૌથી વધુ ચલણ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પોલીસની અલગ અલગ ટીમો છ ગાડીમાં રાજયભરનાં શહેરોમાં તપાસ અર્થે રવાના થશે. એક ટીમને ત્રણેક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. આ ટીમો ગુજરાતનાં શહેરોમાં જઈને મીસિંગ કપલના રેકોર્ડ ચેક કરશે તેમજ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતનાં જાહેર સ્થળોએ પોસ્ટરો પણ લગાવશે. કંકાલ પરથી મળી આવેલી વીંટી ચાંદીની છે. વીંટીની બનાવટ જોતાં આ પ્રકારની વીંટી સૌરાષ્ટ્ર, દાહોદ અને રાજપીપળાની મહિલાઓ વધુ પહેરતી હોવાં ઉપરાંત સૌથી વધુ સાઉથ ઈન્ડિયનમાં વધુ ચલણ જોવા મળે છે, આથી ગુજરાતના જ્વેલર્સની દુકાનોએ પણ તપાસ કરાશે તેમજ સાઉથ તરફ વધુ ફોકસ કરવાનું પ્લાનિંગ પણ છે.
બંને કંકાલની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિત 60થી વધુ પોલીસ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અઢળક કેમેરા ચકાસી 35 જેટલા ફૂટેજનો બેકઅપ ડેટા પણ લઈ લીધો છે, જેમાંથી ત્રણેક ફૂટેજ ભવિષ્યમાં કામમાં આવે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ એ પહેલાં કંકાલની ઓળખ પ્રસ્થાપિત થવી અનિવાર્ય છે. અત્યાર સુધીમાં ગાંધીનગર પોલીસ દ્વારા રાજ્યમાં ગુમ થયેલાં મીસિંગ કપલની છેલ્લા છ મહિનાની ડિટેઇલ મગાવી સ્ક્રૂટિની શરૂ કરવામાં આવી છે, જેમાં એલસીબીની ટીમ દ્વારા મીસિંગ કપલનાં પરિવારજનો સાથે ટેલિફોનિક સંપર્ક કરી વિગતો એકઠી કરાઈ રહી છે, જેમાં પણ હજી ફળદાયી હકીકત મળી ન હોવાનું પણ જાણવા મળે છે.