મુંબઇ : વિદેશી અર્થવ્યવસ્થા કહો કે ગતિવિધીની સીધી અસર ભારતીય શેરબજાર ઉપર વર્તાતી હોવાનું આજે વધું એક વખત સાબિત થયું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં વિક્રમી વધારો અને મંદીની આશંકાઓ વચ્ચે ગુરુવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સવારના સત્રમાં, શેરબજારમાં વેચવાલીનું પ્રભુત્વ હતું, જે લીલા નિશાન સાથે ખુલ્યું હતું અને ઘટીને 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. ટ્રેડિંગની શરૂઆતમાં 53 હજારની ઉપર ખૂલ્યો હતો, ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 52 હજારની નીચે પહોંચી ગયો હતો.
ગુરુવારે ટ્રેડિંગ સેશનના અંતે 30 પોઈન્ટનો સેન્સેક્સ 1045.60 પોઈન્ટના ઘટાડા સાથે 51,495.79 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, 50 પોઇન્ટનો નિફ્ટી 331.55 પોઇન્ટ ઘટીને 15,360.60 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. શેરબજારના રેકોર્ડ ઘટાડાને કારણે ગુરુવારે રોકાણકારોના 5 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા હતા. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 3,824.49 પોઈન્ટ્સ તૂટ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી ગુરુવારે ટાટા સ્ટીલના શેરમાં 6.04 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે નિફ્ટીમાં હિન્દાલ્કોનો શેર 6.74 ટકા ઘટીને રૂ. 333.40 થયો હતો. વૈશ્વિક બજારમાં સુધારાની અસર ગુરુવારે સવારે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. આની અસર એ થઈ કે શરૂઆતમાં સેન્સેક્સ 53,018.91 ના સ્તર પર ખુલ્યો. ટ્રેડિંગ સેશન દરમિયાન, તે 53,142.50 ની ઊંચી સપાટીએ ગયો. પરંતુ પાછળથી વેચવાલીથી એક હજારથી વધુ પોઈન્ટ તૂટી ગયા.
ડાઉમાં છેલ્લા 5 દિવસના ઘટાડા પર બ્રેક : એ જ રીતે, 50-પૉઇન્ટનો નિફ્ટી ગુરુવારે સવારે 140 પૉઇન્ટના વધારા સાથે 15,832.25ના સ્તરે ખૂલ્યો હતો અને 15,863.15ની ટોચે પહોંચ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે તે ઘટીને 15,360.60ના સ્તરે બંધ રહ્યો હતો. યુએસ ફેડ પોલિસી બાદ યુએસ માર્કેટના ડાઉમાં છેલ્લા 5 દિવસના ઘટાડા પર બ્રેક લાગી છે. ડાઉ 825 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે 300 પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 2.5 ટકા ઊછળ્યો હતો.
યુએસ વ્યાજ દર વધીને 1.75 ટકા થયો : અગાઉ, ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ કર્યું હતું. વધતી જતી ફુગાવા સામે એક મોટો નિર્ણય લેતા, ફેડ રિઝર્વે લગભગ 28 વર્ષમાં સૌથી વધુ આક્રમક દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ફેડરલ દ્વારા વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે અમેરિકામાં વ્યાજ દરો વધીને 1.75 ટકા થઈ ગયા છે.