સુરત SOG એ લસકાણા નજીકથી એક બાઇક સવાર ને પાંચ કિલો અફીણ સાથે ઝડપી પાડયો છે. પોલીસનું કહેવું છે કે બાતમીના આધારે વોચ ગોઠવી મોટર સાયકલ ઉપર આવેલા આધેડને પકડી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. લિકવીડ અફીણ સાથે પકડાયેલો વિશ્નોઈ સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સીતાનગરનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે મોડીરાતે પકડવામાં આવેલા અફીણનું વજન 4776 ગ્રામ જેટલું છે. જેની અંદાજીત કિંમત 14,૩૨,૮૦૦ કહી શકાય છે.
લિક્વીડ ફોર્મમા અફીણ લાવનારનું નામ પુનમારામ વિશ્નોઈ છે. તે રાજસ્થાનના સાંચોરનો વતની છે. પુનમરામ સુરતથી મોટર સાયકલ લઈને અફીણ ખરીદવા જ વતન ગયો છે. ત્રણેક દિવસ ત્યાં રહેવા દરમિયાન પરિચિત વ્યક્તિ પાંચ લાખ રૂપિયામાં તેને અફીણ આપી ગયો હતો. ત્યારબાદ તેણે ટ્રાવેલીંગ બેગમા અફીણ પેક કર્યું અને મોટર સાયકલ ઉપર જ સુરત આવવા નીકળ્યો હતો.
આ દરમિયાન મળેલી બાતમીના આધારે ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરાએ તેમની ટીમ સાથે લસકાણા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન પુનમરામ આવતાં તેને પકડી અફીણનો જથ્થો કબજે લેવાયો હતો. પુનમરામની ધરપકડ કરી આ અફીણના ખરીદ અને વેચાણના નેટવર્ક બાબતે એસઓજીએ તપાસ આરંભી છે. મોટી વાત એ છે કે સુરતથી સાંચોર સાડા પાંચસો કિલોમીર થાય છે. ત્યાં જઈ અફીણ ખરીદી પાછો આવવા પુનમરામે ૧૨૦૦ કિલોમીરથી વધું બાઈક હંકારી હતી.