શિવસેનામાં ચાલી રહેલા વર્ચસ્વના સંગ્રામની રણભૂમિ સુપ્રિમકોર્ટ બની ચૂકી છે. ઠાકરે અને શિંદે એમ બંને જૂથોએ પોતપોતાની લીટી લાંબી કરવા સુપ્રિમમાં ઘા નાંખી હતી. આ બાબતે ચાલી રહેલી કાર્યવાહીમાં હવે સુપ્રીમ કોર્ટ 20 જુલાઈએ શિવસેનાના બંને જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સુનાવણી CJIની આગેવાની હેઠળની બેન્ચ કરશે.
શિવસેનામાં પક્ષની વિચારધાના મુદ્દે ભારે ભાંજગડ સર્જાય હતી. બાલાસાહેબના સિધ્ધાંતો સાથે બાંધછોડનું કારણ આગળ કરી કદાવર નેતા એકનાથ શિંદેએ ઠાકરે સામે બંડ પોકાર્યો હતો. શિવસેનાના મહત્તમ ધારાસભ્યો અને સંસદ સભ્યોને પોતાની સાથે રાખવામાં સફળ રહેલા શિંદેએ હવે પોતે જ સાચી શિવસેના એમ કહી પક્ષના ચિહ્ન ઉપર પણ દાવો કરી દીધો છે. બીજી તરફ ઠાકરે સેના બચાવવા માટે સુપ્રિમ પહોંચ્યા હતાં. સુપ્રીમ કોર્ટ શિવસેનાના બંને જૂથોની અરજી ઉપર 20 જુલાઈએ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ એન વી રમના, ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને હેમા કોહલીની બેંચ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિબિર અને એકનાથ શિંદે કેમ્પ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરશે.