પાલનપુર : પ્રેમ અને વાસના એવી ફિલીંગ્સ છે કે જેમાં વ્યક્તિ નાત-જાત, સમય, સંબંધ બધુ જ વિસરી જતો જોવા મળે છે. એક જ પરિવારના અત્યંત નજીકનું સગપણ હોવા છતાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ, લગ્નની વાતો અવાર નવાર બહાર આવતી જોવા મળે છે. પાલનપુર પંથકમાંથી પણ કંઇક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાએ જ સંબંધોની મર્યાદા નેવે મૂકી હતી. અહીંના એક ગામમાં દિકરીએ તરછોડેલા જમાઇ સાથે સંસાર માંડવા વિધવા મહિલા નીકળી પડતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા 181 અભયમને પાલનપુરના એક ગામમાંથી મદદ માટે કોલ આવ્યો હતો. કોલર દ્વારા મદદ માટે દે સમસ્યા કહી એ જાણીને અભયમની ટીમ પણ ચોંકી ગઈ હતી. એ કોલરની ફરિયાદ કહો કે મૂસીબત એ હતી કે, એક 46 વર્ષીય મહિલાએ તેના થનારા જમાઈ સાથે ઘર માંડ્યુ છે. યુવકની ઉંમર 30 વર્ષ છે. જ્યારે કે, મહિલા વિધવા છે અને તેને ચાર સંતાનો છે. દિકરી સાથે અઢી ત્રણ મહિના રિલેશનમાં રહ્યો હોવાથી સંબંધે જમાઇ થતો હોવા છતાં મહિલાએ આવુ પગલુ ભરતા આસપાસના લોકો ચોંકી ગયા હતા.

અભયમની ટીમે તપાસ કરતા જાણ્યું કે, ચાર વર્ષ પહેલા આ વિધવા મહિલાની દીકરીના લગ્ન માટે એક યુવક જોવા આવ્યો હતો. બંનેએ એકબીજાની પસંદગી કરતા સગાઈ કરાઈ હતી. અઢી માસ સુધી આ સગાઈ ટકી હતી. જેના બાદ દીકરીને યુવક પસંદ આવ્યો ન હતો, અને તેણે સગાઈ તોડી નાંખી હતી. પરંતુ અહીં સંબંધો પૂરા થવાના બદલે આઘાતજનક વળાંક આવ્યો હતો. દિકરી સાથેનો સંબંધ પુરો થતાં એ યુવક તેણીની માતા સાથે જોડાયો હતો. વિધવા મહિલાને પણ પૂર્વ જમાઇ પ્રત્યે આકર્ષણ હતું જ. બંને એકબીજાની લાગણી પામી જતાં સંબંધોને દર કિનાર કરી સાથે રહેવા માંડ્યા હતાં. દિકરી બાદ માતાને પત્ની તરીકે સાથે રાખનાર આ યુવક અને જમાઇને પતિ બનાવી દેનારી વિધવા ઉપર ખૂબ સામાજિક દબાણ આવ્યું હતું. જો કે તેઓ એકના બે નહીં થયા ત્યારે આ વાત ચર્ચાને ચગડોળે ચઢી હતી.
વિધવાએ 30 વર્ષના યુવક એવા પૂર્વ જમાઇ સાથે મંદિરમાં જઈને ફૂલહાર કર્યા અને તેને પતિ માની લીધો હતો. તેઓ લોકલાજ છોડી સાથે રહેવા માંડ્યા હતાં. જોકે, મહિલાના સંતાનો આ સંબંધ સ્વિકારી શક્યા ન હતાં. સમાજમાં તેઓની ચર્ચા થવા માંડતાં આ મામલે આખરે પરિવારમાં હોબાળો થયો હતો. ધીરે ધીરે આ બખેડો ઝઘડામાં પરિણમવા માંડતાં વાત અભયમ સુધી પહોંચી હતી. જ્યાં સમાજના અગ્રણીઓ અને અભયમની ટીમે મહિલાને સમજાવી હતી. જેના બાદ મહિલા યુવકને છોડવા અને પોતાના સંતાનો પાસે પાછી જવા માની ગઈ હતી. 181 ની સમજાવટને પગલે હવે સમાજના અગ્રણીઓ દ્વારા મહિલાને મૂળ સાસરીમાં તેના સંતાનો પાસે મૂકવા તજવીજ હાથ ધરી છે. ( અહેવાલ સાથેની તસ્વીર પ્રતિકાત્મક છે)