પોલીસની છબી જનસામાન્યના માનસમાં સારી રહી નથી. તોછડી વાણી અને તૂમાખીભર્યું વર્તન ખાખીનો પર્યાય સમાન બની ગયા છે. સામાન્ય સંજોગોમાં આવો અનુભવ થતો હોય ત્યારે વિશેષ પ્રસંગ, તહેવાર કે વીવીઆઈપી બંદોબસ્ત વેળા પોલીસનો પારો સાતમાં આસમાને જોવા મળે છે. આવામાં કોઈપણ ઇમરજન્સી વિના માત્ર માનવતાંના ધોરણે અને તે પણ આઉટ ઓફ બોક્ષ મદદ માંગવામાં આવે તો..?? સવાલ અઘરો છે અને જવાબ અકલ્પનીય. આ કડવી વાસ્તવિકતાં વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ફાઈનલ વેળા અમદાવાદ પોલીસ કમિશનરે કંઈક એવું કર્યું કે જેમાં ખાખીની મ્હાંય જીવતાં માણસ, ધબકતી માનવતાના દર્શન થયા…

અમદાવાદ, ઓઢવના જાણીતા ગાયનેક ડો. રાજકુમાર ખુબચંદાનીએ રવિવારે સવારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને કોલ કર્યો. તેમને મદદ જોઈતી હતી. કોઈ કાયદાકીય રીતે નહી, માનવતાના ધોરણે. તેમની વિનંતી હતી કે તેમના સંપૂર્ણ વિકલાંગ પુત્ર આયુષને ક્રિકેટનો એટલો શોક છે કે તેણે IPLનો એક પણ બોલ મિસ કર્યો નથી. હવે ફાઇનલ અમદાવાદમાં રમાઇ રહી છે અને તેમાં ગુજરાતની ટીમ રમી રહી છે. વિકલાંગ બાળકની જીદ છે કે તેણે આ મેચ જોવી છે. બાળહઠ અને તે પણ વિકલાંગની. આટલી વાત સાંભળી ત્યાં સુધી સ્થિતિ કે પામી નહીં શકેલા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પૂછ્યું એમાં મને શા માટે કોલ કર્યો..?પોલીસ શું કરી શકે.?
સામે છેડેથી વિકલાંગ બાળકના લાચાર પરંતુ પ્રેમાળ પિતાએ વિનંતીભર્યા સ્વરમાં કહ્યું, જો પોલીસની મદદ મળે તે મારા વિકલાંગ પુત્રની ઈચ્છા પુરી થાય… તેમણે વિગતે વાત કરતા કહ્યું કે સ્ટેડિમય પર પાર્કીંગ ઘણું દુર હોવા સાથે ભારે ભીડના કારણે દિકરાને વ્હીલ ચેરમાં લઇ જઈ શકાય એમ નથી. બંદોબસ્તને કારણે સ્ટેડીયમ સુધી તેમની ગાડી જઇ શકે નહિ. બીજી તરફ લીફ્ટ માટે પણ તકલીફ થતી હોય છે.

ડોક્ટરની વાત સંભળ્યા બાદ પોલીસ કમિશરે ફરીથી પૂછ્યુ કે તેઓ શું મદદ કરી શકે? સામે છેડેથી ફરીથી વિનંતી થઇ કે જો પોલીસે આયુષને લઇને જતી કાર સ્ટેડીયમના ગેટ સુધી જવા દે તો ચોકકસ આયુષ મેચ જોઇ શકે. કડક છાપ ધરાવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તરતજ થોડી વ્યવસ્થા કરી ડોક્ટર રાજકુમારને કોલ કર્યો કે આયુષ ચોક્કસ મેચ જોવા જશે તમે તેની ચિંતા કરશો નહિ. કમિશનર ઓફીસ પરથી ડો. રાજકુમારનો સંપર્ક કરાયો અને તેમને બે વિવિઆઇપી પાસની વ્યવસ્થા કરી આપવામાં આવી. આટલું જ નહિ પરંતુ રવિવારે ફાઇનલ મેચના કલાક પહેલાજ આયુષને લઇને તેના ભાઇ આર્યને ઇન્દીરા બ્રીજ પાસે બોલાવાયો અને પોલીસ કમિશનરે ખાસ તેમની ગાડી માટે એક પાયલોટ કાર ફાળવી દીધી.
પાટલોટ કાર સાથે આયુષ ભાઇ આર્ય સાથે સ્ટેડીયમ પહોંચી ગયો વીવીઆઇપી બોક્સમાં ગોઠવાઇ ગયો અને આખી મેચ મજાથી માણી. આટલુંજ નહિ તેને મદદરૂપ થવા માટે કમિશરને એક પોલીસ કર્મીને પણ તેની સાથે રહેવા સુચના આપી હતી. માટે પોલીસકર્મીએ પણ આયુષ સાથે બેસીને મેચ નિહાળી. ગુજરાતના વિજય સાથે આષુય ખુશખુશાલ થઇ ગયો અને તેણે કમિશરને ખુબખુબ આભાર માન્યો. કમિશનર શ્રીવાસ્તવે પણ કોઈ મોટાઈ કરવાની જગ્યાએ તેમની છબી અનુસાર જ આ કામગીરીને પોતાની ફરજ ગણાવી હતી.