જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ મજૂરો પર ગ્રેનેડ હુમલો કર્યો જેમાં ઘણા કામદારો ઘાયલ થયા. ગ્રેનેડ હુમલા બાદ આતંકીઓની શોધમાં જગ્યાએ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે બડગામમાં પણ બિહારના એક મજૂરને આતંકવાદીઓએ ગોળી મારી હતી અને આજે શોપિયાંમાં ફરીથી મજૂરોને નિશાન બનાવાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાં સતત ટાર્ગેટ કિલિંગને લઈને આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ શોપિયાંના અગલર જૈનપોરા વિસ્તારમાં એક બિન-સ્થાનિક મજૂરોના કામચલાઉ ટેન્ટ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જે થોડા અંતરે વિસ્ફોટ થયો હતો. આ આતંકી હુમલામાં બે મજૂરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ વિસ્તારની શોધખોળ ચાલુ છે.
નોંધનીય છે કે ગુરુવારે કાશ્મીરના બડગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 1 મજૂરે જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકવાદીઓએ બડગામના મગરેપોરા ચદૂરા વિસ્તારમાં મજૂરો પર હુમલો કર્યો હતો. હુમલામાં જીવ ગુમાવનાર મજૂરનું નામ દિલખુશ જણાવવામાં આવી રહ્યું છે અને તે બિહારનો રહેવાસી હતો.
કાશ્મીરમાં વર્ષ 2022માં અત્યાર સુધી આતંકવાદી હુમલામાં 20 નાગરિકો માર્યા ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, આમાંથી 9 હત્યા છેલ્લા 22 દિવસમાં થઈ છે, જેમાં 5 હિંદુ અને 3 સુરક્ષા દળોના જવાન હતા. ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીએ બેંકમાં ઘૂસીને એક કર્મચારીની ગોળી મારી હત્યા કરી હતી. ગુરુવારે, સ્થાનિક આતંકવાદી જૂથ કાશ્મીર ફ્રીડમ ફાઇટર (KFF) એ એક પત્ર જારી કરીને ધમકી આપી હતી કે દરેકનો અંત એક સરખો થશે.