સુરત, તા.14 માર્ચ…
શહેરના ઉધના વિસ્તારમાં આવેલા શેપ કલ્ટ ફીટનેશ જીમનો વિધર્મી ટ્રેનર એક યુવતીને મેસેજ અને કોલ કરી રંજાડતો હતો. કંટાળેલી યુવતીએ આ અંગે પરિજનોને જાણ કરતા તેઓ ટોળે વળી જીમમાં પહોંચ્યા અને લંપટ ટ્રેનર સોહિલ સૈયદની ધોલાઈ કરી હતી. યુવતીના પરિવારજનોએ જીમ ટ્રેનરને સબક શીખવાડવા સાથે પોલીસને હવાલે કર્યો હતો. જીમ ટ્રેનરની ધોલાઇ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. પોલીસે જીમ ટ્રેનર વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આધારભૂત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉધનાના સાહેબજી કોમ્પલેક્ષમાં સર્વોતમ રેસ્ટોરન્ટની પાસે શેપ કલ્ટ ફિટનેસ જીમ કાર્યરત છે. આ જીમમાં રાંદેરમાં રહેતો 28 વર્ષીય સોહીલ હારૂન સૈયદ ટ્રેનર તરીકે કામ કરે છે. જીમ ટ્રેનર સોહીલ હારૂન સૈયદ અહીં આવતી યુવતીઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપી તેમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો રહેતો હતો. જે યુવતી તેની વાતોમાં આવે તેની સાથે તે મિત્રતાં કરતો. જીમ ઉપરાંત બહાર મળવા અને અંગત રિલેશન રાખવા સુધી દબાણ કરવા માંડતો હતો.

આ સોહિલ સૈયદ એક હિન્દુ યુવતી પાછળ પડી ગયો હતો. તે છેલ્લા કેટલાક સમયથી યુવતીને મોબાઈલ નંબર પર ફોન અને મેસેજ કરી હેરાન કરી રહ્યો હતો. જેથી યુવતીએ કંટાળી જઈ તેને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ આ ઇસમે સોશિયલ મીડિયા પર મેસેજ કરી યુવતીને પરેશાન કરતો હતો. વિધર્મી જીમ ટ્રેનર દ્વારા અવારનવાર યુવતીને કોલ કરી જીમ પર બોલાવવા માટે હેરાન પરેશાન કરતો હતો. જેને લઇ કંટાળેલી યુવતીએ આખરે તેના મિત્રો અને પરિવારને જાણ કરી હતી. યુવતીની આપવીતી સાંભળી રોષે ભરાયેલા પરિવારના સભ્યો દ્વારા જીમ પર પહોંચીને ભારે ધમાલ મચાવી હતી.

અહીં સોહીલ હારૂન સૈયદને ઘેરી લઇ ઢોર મારવામાં આવ્યો હતો. 15થી 20 જેટલા પરિવારોના સભ્યો સહિત અન્ય લોકો મળી વિધર્મીની ધુલાઈ કરી, માર મારી મેથીપાક ચખાડ્યો હતો. ભારે ધમાલ ના દ્રશ્યો સર્જાયા એટલે વાત પોલીસ સુધી પહોંચી ગઇ હતી. જો કે પોલીસ આવે એ પહેલા રોષે ભરાયેલા લોકો જ ભેગા મળીને જીમ ટ્રેનરને ઉધના પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં.
પરિવારે પોલીસમાં સમગ્ર હકીકત જણાવી તેના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને આધારે ઉધના પોલીસે જીમ ટ્રેનર સામે છેડતી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સાથે જ સીસી કેમેરા ફૂટેજ વાઇરલ થઇ જતાં જીમ ટ્રેનર દ્વારા છેડતી અને તેની ધોલાઈ ની ઘટના શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.