સુરત : આર્થિક સંકડામણ દરમિયાન વિના સ્વાર્થે 19 લાખ રુપિયા મદદ કરનાર મોદી પરિવારને સોનપાલે દગો દીધો હતો. પરિવારના મોભીનું આકસ્મિક અવસાન થતાં સોનપાલે રુપિયા પરત કરવામાં ઠાગાઠૈયા કરવા માંડ્યા હતાં. મામલો પોલીસમાં પહોંચ્યો ત્યારે સોનપાલે રુપિયા ચૂકવાઇ ગયાનું ખોટી સહી સાથેનું લખાણ પણ રજુ કર્યું હતું. જો કે તપાસમાં સોનપાલનો ભાંડો ફૂટી જતાં આખરે તેની સામે વિશ્વાસઘાત, ઠગાઇ અને બોગસ લખાણ ઉભા કરી તેનો પોલીસ સમક્ષ સાચા તરીકે ઉપયોગ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર કડોદરા મોદી ફળિયામાં રહેતાં જિજ્ઞેશ સન્મુખભાઇ મોદીએ કડોદરાના દેસાઇ ફળિયામાં રહેતાં બટુક બાબુલાલ સોનપાલ સામે ફરિયાદ નોંધાવી છે. જિજ્ઞેશભાઇના પિતા સન્મુખભાઇ અંબિકા જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતાં હતાં. સન્મુખભાઇએ વર્ષ 2014માં બટુક સોનપાલને 19 લાખ રુપિયા આપ્યા હતાં. એક વર્ષની અંદર પરત ચૂકવી દેવાનો વાયદો કરી, પારિવારીક સંબંધોમાં લીઘેલી આર્થિક મદદમાં સોનપાલે પાછળથી દાનત બગાડી હતી. વર્ષ 2018માં સન્મુખભાઇનું આકસ્મિક નિધન થયા બાદ સોનપાલે લેણાં ચૂકવવામાં આડાઇ કરવા માંડી હતી. પૂત્ર જિજ્ઞેશ દ્વારા અવાર નવાર પૈસાની માંગણી કરી તો બહાનાબાજી કરી બટુક છટકી જતો હતો.
જો કે જિજ્ઞેશભાઇએ કડકાઇ દાખવી તો જાન્યૂઆરી, 2022માં બટુકે 11.50 લાખનો ચેક લખી આપ્યો હતો. મોદી દ્વારા નિયત સમયે આ ચેક બેન્કમાં ડિપોઝીટ કરાયો તો તે અપુરતાં બેલેન્સના શેરા સાથે રિટર્ન થયો હતો. ત્યારબાદ જિજ્ઞેશભાઇએ બટુક સામે પોલીસ ફરિયાદ કરી હતી. કડોદરા પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસ દરમિયાન બટુકે સન્મુખભાઇએ કરી આપ્યું હતું એમ કહી એક લખાણ રજુ કર્યું હતું. આ લખાણમાં મને મારા રુપિયા મળી ગયા છે, મારે કોઇ રકમ બટુક સોનપાલ પાસે લેવાની રહેતી નથી એવો ઉલ્લેખ કરાયો હતો. આ વ્યવહાર સોનાના ઘરેણાં સ્વરુપે પુરો કરાયાની વાત પણ બટુકે રજુ કરી હતી. જો કે જે લખાણ તેણે રજુ કર્યું એ પોલીસ તપાસમાં બોગસ પુરવાર થયુ હતું.
રુપિયા આપવા ન પડે એ માટે મૃત્યું પામેલા વ્યક્તિના નામે ખોટુ લખાણ કરી બોગસ સહી પણ તેણે કરી દીધી હતી. લખાણ અનુસારના કોઇ પુરાવા પણ બટુક રજુ કરી શક્યો ન હતો. પ્રાથમિક તપાસ દરમિયાન બટુક બદઇરાદે રુપિયા આપતો ન હોવાનું, જાણી જોઇને ખોટા ચેક આપ્યાનું, સાથે જ નાણાંકીય વ્યવહાર પુરો થઇ ગયાનું ખોટુ લખાણ ઉભું કર્યાનું, તેની ઉપર ખોટી સહી કર્યાનું જણાય આવ્યું હતું. પોલીસે આ મામલે બટુક બાબુલાલ સોનપાલ સામે ઇપીકો કલમ 420, 467, 468, 471 તથા વટાઉખત અધિનિયમન1981ની કલમ 138 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.