કોરોનાકાળમાં સતત 2 વર્ષથી મળતા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને પાયો કાચો જોવા મળ્યો છે. માસ પ્રમોશનને કારણે આ વર્ષે ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં બાળકો નાપાસ થયા છે. ત્યારે રાજ્યમાં ધો-9 અને 11માં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે.13 જૂન સ્કૂલ શરૂ થયા બાદ ધો-9-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડી હોવા અંગે શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ગત મે મહિનાના 9 તારીખના રોજ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવ્યો હતો. અને રજૂઆત કરવામા આવી હતી કે ધોરણ 9 અને 11માં ફરીથી પરીક્ષા લેવામાં આવે. રાજ્ય શાળા સંચાલક મંડળે માગ કરતા જણાવ્યું કે, સતત બે વર્ષથી મળતા માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓને નુકસાની થઇ રહી છે. આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં ધોરણ 9 અને 11ની પરીક્ષા ફરીથી લેવાની જરૂર છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇ ચિંતા પણ રજૂઆત વેળા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકારે ધો-9-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.