સુરત: શહેરના લાલગેટ વિસ્તારમાં 17મી તારીખે રાતે સરાજાહેર ફાયરિંગ કરી યુવકની હત્યા કરનારા ફૈયૂ સૂકરીની પોલીસે ધરપકડ કરી છે.
રવિવારની રાતે લાલગેટ વિસ્તારમાં આરિફ મીંડી ગેંગના સાગરીત ઉપર ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં આરીફ મીંડીના જમાઈ હાજી અંજીર ઉર્ફે બિલાલ પુનાવાલાનું કરુણ મોત થયું હતું. પોલીસ તપાસમાં ફાયરિંગ જનતા માર્કેટ ખાતે બેવડી હત્યાના આરોપી ફઇમ સૂકરીએ કર્યું હોવાનું ખુલ્યું હતું. ફાયરિંગ કરનારો ફઇમ હાલ પેરોલ પર જેલ બહાર આવ્યો હતો. સુરતના લાલગેટ વિસ્તારમાં રવિવારે રાતે એક વ્યક્તિ ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ભાગી ચૂક્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક સુરતના માથાભારે આરીફ મીંડીનો જમાઈ હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં છેલ્લા લાંબા સમયથી આરીફ મીંડી ગેંગનો આંતક છે. ગુજસીટોક સંહિતાના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાય ચૂક્યા છે.
જ્યારે તેની સામે રહેલી સૂકરી ગેંગ પણ ગુનાખોરી માટે નામચીન છે. આ જ ઝઘડામાં ગઈકાલે ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસની સાથે ગેંગના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ગેંગવોરમાં ઘાયલ આરીફ મીંડીના જમાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મીંડી ગેંગ સામે હપ્તાખોરી ઉપરાંત વ્યાજનો બિઝનેસ અને દાદાગીરી સહિત અનેક ગુના દાખલ છે. સરાજાહેર હત્યાની આ ધટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. ફાયરિંગ કરનાર ફઇમ ઉર્ફે ફૈયૂ સૂકરીને લાલગેટ પોલીસે પલસાણા વિસ્તારમાં હાઇવે ઉપર વોચ ગોઠવી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે. એસીપી આહીરે જણાવ્યું હતું કે મીંડી ગેંગએ ભાગાતળાવ વિસ્તારમાં યુવકની હત્યા કરી હતી. અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોધાયેલા આ ગુનામાં ફરિયાદી અને સાક્ષીઓને હાજી મદદ કરતો હતો. આ મામલે તેઓ વચ્ચે ડખો થયો હતો. સૂકરીએ કેસમાં નહીં પડવા માટે સમજાવ્યો, ધમકાવ્યો હતો, છતાં હાજીએ મદદ ચાલુ રાખતાં તેની હત્યા કરાયાનું ફઇમની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.