ચીકલીગરોએ પોલીસ પર ગાડી ચડાવી દેવા કર્યો પ્રયાસ
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીને આધારે ચીકલીગર ગેંગને ઝડપી પાડવા સુરત જિલ્લાના બારડોલી નજીક સ્ટેટ હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. કારમાં આવેલા બે ચીકલીગરને ઝડપી પાડવા પોલીસે જીવના જોખમે આ બન્નેને દબોચ્યા હતા. ચીકલીગરોએ પોલીસ જવાનો પર કાર ચડાવી દેવા પણ પ્રયાસ કર્યો હતો.
સુરત જિલ્લાના બારડોલી નજીકથી ચીકલીગર ગેંગના સાગરીતો પસાર થવાના હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેથી પોલીસે બારડોલી નજીક સ્ટેટ હાઇવે પર વોચ ગોઠવી હતી. પોલીસની બાતમી પ્રમાણે જ કારમાં બે ચીકલીગર આવતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચીકલીગરોએ ગાડી રોકવાને બદલે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે કાર પર લાકડીના સપાટા મારી આ બન્નેને રોકવા જીવ સટોસટની બાજી લગાવી દીધી હતી. પરંતુ ચીકલીગરોએ કાર મારી મુકવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે અગમચેતી વાપરીને બુલડોઝર અને ટ્રક જેવા વાહનોથી આગળનો રસ્તો બ્લોક કર્યો હોવાથી ચીકલીગરોને ફરજીયાત ગાડી રોકવાની ફરજ પડી હતી. જેથી પોલીસની ટીમે બન્ને માથા ફરેલા ચીકલીગરોને હથકડી પહેરાવીને દબોચી લીધા હતા.આ બન્નેને સુરત લાવીને તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે. બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસનું માનવું છે અને તેમની તપાસમાં અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકલવાની સંભાવના છે.
અહીં ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે આ ઓપરેશન પાર પાડયું હતું. આ ઓપરેશન ના વિડિયો જે રીતે વાઇરલ થયા એને લઈ વિવાદ થયો છે. એવું કહેવાય છે કે આ વિડિયો હોમ મિનિસ્ટર દ્વારા વાઇરલ કરાયા બાદ આ અંગે પોલીસ કમિશન ને જાણ થઈ હતી. ઓપરેશનમાં સામેલ પૈકી કોઈ હરખપદુડા એ વિડિયો સીધો હોમ મિનિસ્ટર ને મોકલી આપ્યો હતો. બારડોલી જઈને જે રીતે ગાડી ઉપર હુમલો કરાયો એ કોઈપણ પ્રકારની કેઝયુલીટી કરી શકે એમ હતી. વિડિયો માં દેખાય છે એવા હુમલાથી ડરેલો, ગભરાયેલો સામેનો વ્યક્તિ ભાગવા માટે, બચવા માટે વળતો હુમલો કરે અથવા ગાડી ભગવતી વેળા કોઈ અનહોની ઘટના ઘટી જાય તો જવાબદારી કોની ઠરે? કમિશનરને જાણ કર્યા વિના તેમની ઉપર વટ જાઈ પોતાની વાહવાહી માટે વિડિયો સીધો હોમ મિનિસ્ટર ને મોકલી દેવાની બાબત ડીસીપ્લીન ફોર્સ માટે અસહનીય છે. પોલીસના ઓપરેશન કહો કે કાર્યવાહી બાબતે ગુપ્તત્તનો ભંગ પણ ગંભીર લેખવાઈ રહ્યો છે….