સુરત: સુરત ડાયમંડ બુર્સ. સુરતને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર નવી ઓળખ આપનાર, હીરા ઉદ્યોગમાં નવો પ્રાણ પુરનાર ડ્રીમ પ્રોજેક્ટ સાબિત થઇ રહ્યો છે. સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ એના વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગ હબ ત્રણ મહિનામાં કાર્યરત થઈ જશે. રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય મહાનુભાવોની હાજરી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ડાયમંડ બુર્સના કારણે અંદાજે બે લાખ કરોડનો વેપાર થશે. વૈશ્વિક સ્તરે ડાયમંડ બુર્સના પ્રચાર-પ્રસાર માટે ખાસ 22 મિનિટનું વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરી 80 દેશોમાં 6 મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે.
વિશ્વ સામે ગ્રીન પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે – વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ ટ્રીટેડ પાણીથી તૈયાર થયું છે અને આ પ્રોજેક્ટ વિશ્વ સામે ગ્રીન પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે. ખજોદમાં સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 100 ટકા પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે હવે વિશ્વના દેશોમાં તેનો પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 80 દેશોની સ્થાનિક ભાષામાં ડોક્યુમેન્ટરી બનાવી પ્રસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 22-22 મિનિટના અલગ અલગ એપિસોડ બનાવી એ પહેલા આગામી 5 મી જૂનના રોજ ગણેશ સ્થાપના કરી 4200 દિવાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં – દેશ અને વિદેશના ચાર હજારથી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પાર પાડી રહ્યા છે. જેની ઉપર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે. ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચાર ગણી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર થઈ રહી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે, આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડીંગ માપદંડ હેઠળ તૈયાર થઈ રહ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.
ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણી મિડિયા સમક્ષ જણાવી ચૂક્યા છે કે, એજન્સી દ્વારા 22 મિનિટના અલગ અલગ એપિસોડ બનાવવામાં આવશે. જે એપિસોડ 80 દેશોમાં અલગ અલગ સમયે પ્રસારિત કરવામાં આવશે. દિવાળી પહેલા ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઇ જતાં તમામ ઓફિસ હોલ્ડરને પજેશન આપી દેવાયું છે. ફર્નિચર માટે ઓફિસ હોલ્ડરે ડાયમંડ બુર્સ કમિટિની પરવાનગી લેવાની હોવાથી 450થી વધારે હોલ્ડરોએ ફર્નિચર માટેની પરવાનગી માંગી પણ લીધી છે, ટૂંક સમયમાં તેમને પરવાનગી આપી દેવામાં આવશે.