કેન્દ્રીય મંત્રી દર્શનાબેન તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સુરતના લાભાર્થીઓ સાથે સાધ્યો સંવાદ
રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના અમલથી ગરીબોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું: કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ
સરકારની અનેકવિધ યોજનાઓના લાભો જનજન સુધી પહોંચી રહ્યાં છે: નાણામંત્રી કનુભાઈ દેસાઈ
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૮ વર્ષની પૂર્ણતાના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાકક્ષાના ‘ગરીબ કલ્યાણ સંમેલન’નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનોમાં જનકલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ સાધ્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, વન નેશન, વન રેશનકાર્ડ, ગરીબ કલ્યાણ અન્ન યોજના, PMJY યોજના, આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજના સહિતની ૧૩ જેટલી યોજનાઓના લાભાર્થીઓ સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. મંત્રીશ્રીઓએ લાભાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા મળેલા લાભો થકી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે માહિતી મેળવી હતી.

કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના આઠ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે. અમારી સરકાર નવા સંકલ્પો, નવી ઉર્જા સાથે આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો નાગરિકોને આવાસો મળ્યા છે, તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર મળી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના અમલથી ગરીબોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે. અમારી સરકારે સ્પષ્ટ ઈરાદાઓ, સાફ નિયત અને નેકીથી ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી યોજનાઓના સો ટકા લાભ આમજનતા સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. કોઈ પણ લાભાર્થી સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી ન જાય તેવા મક્કમ ઈરાદા સાથે સરકાર આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભો જનજન સુધી પહોંચી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશની ચાર ટ્રિલીયન ઈકોનોમી પૈકી એક ટ્રિલીયનનો હિસ્સો માત્ર ગુજરાતનો રહ્યો છે. આઝાદીના અમૃત કાળે દેશના નાગરિકોને મૂળભુત સુવિધાઓ અને યોજનાઓના લાભો આપી તેમના જીવનમાં ઉન્નતિનો નવો ઉજાસ પાથરવાનું કાર્ય આ સરકારે કર્યું છે.
આ પ્રસંગે રાજયસભાના સાંસદ રમીલાબેન બારા, મેયર હેમાલીબેન બોઘાવાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના આઠ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસકાર્યોની સિદ્ધિઓ વર્ણવી હતી. આ વેળાએ મહાનુભાવોના હસ્તે મહાનગરપાલિકાના આંગણવાડી તેડાગર બહેનોને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
પ્રધાનમંત્રીના હિમાચલપ્રદેશના શિમલા ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. કેન્દ્ર સરકારની ૧૩ જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, સંગીતાબેન પાટીલ, ઈશ્વરભાઈ પરમાર, ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, પદાધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.