સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ-અલગ કાપડના વેપારીઓ સાથે 5,07,93,618 રૂપિયાની છેતરપિંડી કરનાર ગઠિયાને ફરિયાદના ગણતરીના કલાકોમાં જ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
ટેક્સટાઇલ હબ ગણતાં સુરત શહેરમાં વેપારીઓ સાથે ઠગાઇના કિસ્સાઓ ચોંકાવનારી હદે વધ્યા છે. ફાસ્ટ પેમેન્ટ, અને બલ્ક ઓર્ડ઼રના લોભમાં વેપારીઓ પણ આવા ચીટરોની જાળમાં ફસાતાં જોવા મળે છે. આવા કિસ્સાઓમાં ફરિયાદ બાદ ઝડપી કાર્યવાહી માટે રચાયેલી આર્થિક ગુના નિવારણ શાખા હાલ નોંધપાત્ર કામગીરી બજાવી રહી છે. ઇકો સેલ દ્વારા કરોડોના ચિટિંગના આવા જ એક કેસમાં ફરિયાદ મળ્યાના ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો.
હરેશ દોમડીયા નામના વ્યક્તિ સુરતના કતારગામ વિસ્તારમાં રહે છે અને તેઓ ઉધના વિસ્તારમાં આવેલ બ્રહ્માણી જરીના નામથી ગ્રે કાપડનો વેપાર કરે છે. તેમને ઇકોનોમિક સેલમાં એક ફરિયાદ કરી હતી કે, કાપડ દલાલ રાજકુમાર ભંડારીએ ઋષભ ક્રિએશનના પ્રોપરાઇટર ભરત કોઠારી અને સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન પટેલ સાથે મળીને અગાઉથી આયોજન કરી કાવતરું રચીને ટેક્સટાઇલ માર્કેટના વિવર્સ પાસેથી કાપડની ખરીદી કરી હતી. પ્રથમ વખત તમામને રૂપિયાની ચુકવણી કરી દીધી હતી. ત્યારબાદ ફરી માર્કેટમાંથી અલગ અલગ વિવર્સ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ખરીદ્યો હતો.
કાપડ દલાલ રાજકુમાર ભંડારી તેના સાગરીતો સાથે મળીને અલગ-અલગ વિવર્ષ પાસેથી 5,07,93,618 રૂપિયાનું કાપડનો જથ્થો ખરીદ્યો હતો અને ત્યારબાદ પેમેન્ટ ચૂકવ્યું ન હતું. તેથી સમગ્ર મામલે છેતરપિંડીની ફરિયાદ ઇકોનોમિક સેલમાં નોંધાઈ હતી. મહત્વની વાત છે કે આરોપી રાજકુમાર ભંડારીએ અગાઉ પણ સુરતમાં કાપડ માર્કેટમાં આ જ પ્રકારે અન્ય વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદ થાય એના ગણતરીના સમયમાં ઇકોનોમિક સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકમાં જ ઇકોનોમિક સેલ દ્વારા આરોપી કિશન પટેલ, ભરત કોઠારી અને રાજકુમાર ભંડારીની ધરપકડ કરી હતી.
આ ત્રણેય આરોપીઓ સુરતના અલગ અલગ કાપડના વેપારીઓ પાસેથી શરૂઆતમાં માલની ખરીદી કરી પેમેન્ટ ચૂકવી દેતા હતા ત્યારબાદ મોટા પ્રમાણમાં ગ્રે કાપડનો જથ્થો વધારીમાં ખરીદતા હતા અને પેમેન્ટની ચુકવણી કરતા ન હતા.ઇકોનોમિક સેલ દ્વારા આરોપી રાજકુમાર ભંડારીની ધરપકડ કરવામાં આવે છે તેની સામે અગાઉ પણ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો ગુનો નોંધાયો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોસંબા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે અને સલાબતતપુરામાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.