ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ રવિવારે આખું અમદાવાદમાં જળબંબોળ થઈ ગયું છે ત્યારે હવે સુરતમાં પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ અને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લગભગ તમામ નદીઓમાં પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે. વલસાડની હાલત સૌથી કફોડી બની છે. અહીંના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન્સ હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
સુરત જિલ્લામાં 11 અને 12 જુલાઇના રોજ ભારે વરસાદ પડી શકે છે, જેના પગલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 13થી 15 જુલાઇ સુધી સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદને લઈને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા લોકોને જરૂરી ન હોય તો ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. સુરતીઓ પ્રવાસના શોખીન છે. વરસાદ વરસતાં જ જંગલ અને પહાડી વિસ્તારો ખૂંદવા નીકળી પડે છે. જો કે અતિભારે વરસાદના કારણે ભેખડો ધસી પડવા, વૃક્ષો ધરાશાયી થવા કે નદી-નાણાંમાં અચાનક પુર જેવી સ્થિતિ ઉભી થઇ જતી હોવાથી આ દિવસોમાં પ્રવાસ ટાળવાની અપીલ પણ કરવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા લોકમાતાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થઇ હતી. તેના કેચમેન્ટ વિસ્તારોમાં આવતા કોઝવે પર પુરના ધસમસતા પ્રવાહ ફરી વળતા અનેક ગામડાઓ દિવસભર જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામા શનિવારે સાંજે ૪ વાગ્યાથી રવિવારે સાંજે ૪ વાગે પુરા થતા 24 કલાકમાં આહવા ૧૨.૬ ઇંચ, વઘઇ ૧૨.૬ ઇંચ, સુબીર ૮.૩ ઇંચ અને સાપુતારા ૭.૪ ઇંચ વરસાદ પડ્યો હતો. આ તોફાની વરસાદને પગલે ધવલીદોડ ગામે એક મહિલાનું પૂરના પાણીમાં તણાય જવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ ગાય ઉપર શેડ પડવાથી મૃત્યુ થયું હતું. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવરીત વરસી રહેલા મેઘરાજા એ સમગ્ર ડાંગ જિલ્લામાં જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.
ડાંગમાં ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં ધસમસતા પ્રવાહ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે ડાંગના અનેક ગામડાઓ પણ સંપર્ક વિહોણા બન્યા હતા. છેલ્લા 24 કલાકમાં આહવામાં 12.6 ઈંચ, વઘઈમાં 12.6, સુબીરમાં 8.3 અને સાપુતારામાં 7.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં ધવલીદોડ ગામે એક મહિલાનુ તણાઈ જવાથી મોત નિપજ્યુ છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ પણ ધરાશાયી થયા હતા તો ડુંગરાળ વિસ્તારમાંથી માટી અને પથ્થર પણ રસ્તાઓ પર ધસી પડ્યા હતા. આ દરમિયાન તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે લોકોને ગીરા ધોધ નજીક જતા રોકવામાં આવ્યા હતા અને સુરક્ષા ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
તોફાની વરસાદને લઇને વઘઇ સાપુતારા અને આહવા વઘઇ થઈ કાલીબેલ વિસ્તારોમાં માર્ગ ઉપર ઠેરઠેર વૃક્ષો સહિત માટી ,પથ્થર ધસી પડવાના બનાવો બન્યા હતા, જેમાં વાહન ચાલકોને થોડા સમય માટે મુશ્કેલી વેઠવી પડી હતી. કાસવદહાડ-સુંદા વચ્ચે વીજ લાઈન પર વૃક્ષ ધરાશાઇ થયુ હતું, તેમજ જામલાપાડા મહાલ માર્ગ ઉપર પથ્થરની શીલા સહિત વીજ પોલ તૂટી પડતા માર્ગ અવરોધવા સાથે કલાકો સુધી આ વિસ્તારમાં વીજ ગુલ થઈ જતા લોકોને મુશ્કેલી પડી હતી. પૂરના પાણીને લઈને અનેક નાના મોટા જળધોધ ફૂટી નીકળતા સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠ્યું હતું. વરસાદને પગલે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા, કુલ ૨૨ માર્ગો બપોરે બાર વાગ્યાની સ્થિતિએ આવાગમન માટે બંધ થવા પામ્યા છે. વરસાદને પગલે ગીરાધોધ નજીક પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. પ્રવાસીઓની સુરક્ષા માટે લોકોને ગીરાધોધ નજીક જતા રોકવામાં આવ્યા હતા અને સુરક્ષા ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે.