સુરતની શાન સમી સુમુલ ડેરી ગુજરાતનો સૌપ્રથમ આઈસ્ક્રીમના કોન બનાવવવાના પ્લાન્ટની સ્થાપના કરશે. એટલું જ નહીં, સુમુલના આઈસ્ક્રીમના વેચાણમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો હોવાથી હવે રોજિંદા 50 હજાર લિટરના સ્થાને હવે 1 લાખ લિટર આઈસ્ક્રીમનું ઉત્પાદન કરવા પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરશે. સુમુલ ડેરી ટૂંક સમયમાં જ 1 લાખ લીટર આઈસ્ક્રીમ સાથે 3 લાખ કોન ઉત્પાદન કરશે. આ બન્ને પ્લાન્ટ સુમુલ ડેરીના નવી પારડી ખાતે ઉભા કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્રની પ્રોડક્ટ લીક ઇન્સેટિવ સ્કીમમાં મજૂરી મેળવનાર સુમુલ ડેરી પ્રથમ સંસ્થા બનશે. આ બન્ને પ્લાન્ટનું ખાતમુહર્ત આગામી 8મી જૂનને બુધવારે સવારે 9.30 કલાકે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કરાશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમૂલ બ્રાન્ડથી બનતો આઈસ્ક્રીમ એ રિયલ મિલ્ક ફેટમાંથી બને છે. ત્યારે હાલમાં આઈસ્ક્રીમની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાર્ટી પેકથી લઈને કોન, કપ, કુલ્ફીની સાથે ચોકલેટ-બટરસ્કોચ કોનની માંગમાં પણ વધારો થયો છે. આ માંગને પહોંચી વળવા માટે ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સુરત સુમુલ ડેરીને પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે પરવાનગી આપી છે. તેથી સુમુલ આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 50,000 લિટરથી વધી 1 લાખ લિટર કરશે. 50 હજાર લિટર આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા માટે નવો પ્લાન્ટ ઉભો કરાશે. આ સિવાય આઈસ્ક્રીમના કોનની માંગને પહોંચી વળવા માટે સુમુલ ડેરી પારડી ખાતે કોન બનાવવાનો પ્લાન્ટ નાંખવામાં આવશે. આ બન્ને પ્લાન્ટ 125 કરોડના ખર્ચે ઉભા કરાશે. અને આગામી 8મી જૂને સીઆર પાટીલના હસ્તે બન્ને પ્રોજેક્ટનું ખાતમુહર્ત કરશે.