રાજકોટ : વિદ્યાર્થી માટે જ્ઞાતિ જાતીનું કોઈ મહત્વ કે સ્થાન હોતું નથી. તેઓ જ્ઞાન પિપાંશું હોય છે. જ્ઞાન એ જ તેમની બંદગી અને પ્રાર્થના હોય છે. જ્યાંથી મળે, જે રીતે મળે તેઓ જ્ઞાન મેળવવા પ્રયાસ કરતાં રહે છે. આના ઉદાહરણ રૂપ ઘટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બહાર આવી છે. સર્વ ધર્મ સમભાવનો આ અનોખો કિસ્સો શિક્ષણ જગતમા ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.
સૈરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનમાં એમ.એ. અને એમ.ફિલનો અભ્યાસ કરનારી મૂળ મોરબીની વિદ્યાર્થિની પઠાણ સાહેરાબાનુ અનવરખાને ‘વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં માનવીય મૂલ્યો: એક અધ્યયન’ વિષય પર સંશોધન કરી પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. સંસ્કૃત ભવનના પ્રોફેસર અને હેડ ડૉ. એમ.કે મોલિયાના માર્ગદર્શન હેઠળ સાહેરાબાનુએ આ સંશોધન તૈયાર કરી ધર્મ સમાનતા અને કોમી એકતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

સાહેરાબાનુએ સંસ્કૃતમાં જ બી.એ., એમ.એ., એમ.ફિલ કરતા અભ્યાસ દરમિયાન જ હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો અને તેમાં રુચિ કેળવી હતી. તેના કારણે જ વિદ્યાર્થીનીએ પોતાનો પીએચ.ડીનો વિષય પણ હિંદુ શાસ્ત્રો ઉપર પસંદ કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના વડા ડૉ.એમ.કે મોલિયાએ જણાવ્યું હતું કે, સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં ખૂબ રુચિ હતી. તે મૂળ મોરબી જિલ્લાની વતની છે, બી.એ. પણ તેમણે ત્યાં જ કર્યું છે. એમ.એ.માં જ્યારે તેઓ અહીં પ્રવેશ લેવા આવ્યા ત્યારે જ તેમની સંસ્કૃત વિષય પ્રત્યેનો લગાવનો અંદાજ આવ્યો હતો. બાદમાં તેમણે અહીં એમ.એ. કર્યું જેમાં તેઓ થોડા માર્ક માટે જ ગોલ્ડ મેડાલિસ્ટ ન બની શક્યા. સાહેરાબાનુની ખાસિયત એ છે કે તેને જે વિષયનું કામ સોંપવામાં આવે તે વિષયના મૂળ સુધી પહોંચી જાય છે.