તિસ્તા સેતલવાડની જામીન અરજીમાં SITની એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ અધિકારી શ્રીકુમારની ખોટા કાગળ બનાવી કાયદા સાથે રમત કરવા બદલ ધરપકડ બાદ તિસ્તા દ્વારા અમદાવાદની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.
આજે જામીન માટેની સુનાવણી દરમિયાન આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના સલાહકાર અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લેવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કરાયો છે. આ એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ પૈસાનો ઉપયોગ તિસ્તા દ્વારા સર્કિટ હાઉસના વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. જેના પુરાવા અને સાક્ષીનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે.
SITએ તિસ્તાને જામીન ન આપવા માટે એફિડેવિટ રજૂ કરી હતી. SITએ દાવો કર્યો છે કે તિસ્તાના માધ્યમથી ગુજરાત અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને બદનામ કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તિસ્તા સેતલવાડ સામે SITની તપાસ હજુ ચાલુ છે, જેના કારણે તે સાક્ષીને ધમકી આપી શકે છે. અને પુરાવાને ટેમ્પર કરી શકે છે. જેના કારણે તિસ્તાને જામીન ન આપવા જોઈએ. તિસ્તા સેતલવાડના નજીકના સાથી રઈસ ખાને તાજેતરમાં દાવો કર્યો હતો કે જ્યારે અમે તેમની સામે ફરિયાદ કરી હતી ત્યારે ધરપકડ અગાઉ થવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે, તિસ્તા જેવા લોકો જેઓ વિક્ટિમના નામે પૈસા લાવે છે, તેઓ ઉઠાવી જાય છે અને પોતાને સામાજિક કાર્યકર્તા કહે છે, વિક્ટિમ સાથે જે વિશ્વાસઘાત થયો છે તેને વિક્ટિમ માફ નહીં કરે.
રઈસે કહ્યું હતું કે તિસ્તાએ પીડિતા સાથે છેતરપિંડી કરી હતી. આવા લોકોને માફ ન કરવા જોઈએ. તિસ્તાએ દેશ-વિદેશમાંથી ફંડ જમા કરાવ્યું અને તેનો એક ટકા પણ પીડિતાને ન આપ્યો.