સુરત, તા.20
ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઇના નામે વરાછાના કાપડ વેપારીને ધમકી આપી પાંચ લાખ રૂપિયા ખંડણી માંગનારા સગીરને હરિયાણાથી ઝડપી લેવાયો હોવાનું જાણવા મળે છે. આ સગીરનું બિશ્વોઇન ગેંગ સાથે કનેક્શન તથા વેપારીને ટાર્ગેટ કંઇ રીતે કર્યો એ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

વરાછાની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા કેતન રમેશભાઇ ચૌહાણ મોટા વરાછા વિસ્તારના સુદામા ચોક સ્થિત તુલસી આર્કેડમાં હેપ્પી શો નામથી સાડી અને કપડાનો ઓનલાઇન વેપાર કરે છે. 29 વર્ષીય કેતન ચૌહાણ ને ૧૬મી માર્ચના રોજ અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ આપ્યો હતો. કોલ કરનાર લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સે સુખા સોપુ બોલ રહા હું તેમ કહ્યું હતું. કેતને એ કોલરને કોણ લોરેન્સ બિશ્નોઈ એવો સવાલ પૂછ્યો હતો. જવાબમાં કોલરે કહ્યું કે, અભી સિધ્ધુ મુસેવાલા કા મર્ડર કીયા હે ના વો લોરેન્સ બિશ્નોઈ.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ના નામે વાત કરનાર એ શખ્સે વેપારી પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેણે કહ્યું કે પાંચ લાખ રૂપિયે ચહીયે વરના ૨૪ ઘંટેમે તેરા મર્ડર હો જાયેગા. આ સાંભળી કેતને જવાબ આપ્યો કે તેની પાસેથી પાંચ લાખ રૂપિયા નથી હું તો નોકરી કરું છું. કેતનની આ વાત સાંભળી એ શખ્સે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ કેતને તેના મોબાઈલમાં વોટ્સઅએપ ચેક કરતાં અલïગ અલગ ત્રણ મેસેજ આવ્યા હતા. જેમાં લોરેન્સ બિશ્નોઇ ગૃપ, સુખા સોંપુ ગૃપ એવું લખેલું હતું. આ કોલ અને મેસેજના પગલે કેતન ચૌહાણે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ખંડણી માટે ધમકીના આ કોલની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોડાઇ હતી. જે નંબરથી કોલ આવ્યો હતો એને ટેકનીકલ સર્વેલન્સથી ટ્રેસ કરતા ક્રાઇમ બ્રાન્ચ હરિયાણા પહોંચી હતી. અહીં હિસ્સારમાંથી કોલ કરનારને પકડાયો તો તે સગીર હોવાનું બહાર આવ્યું છે. આ સગીરના બિશ્નોઇ ગેંગ સાથે સંપર્ક અને સંબંધો તથા તેણે આ જ વેપારીને કંઇ રીતે ટાર્ગેટ કર્યા એની તપાસ કરાઈ રહી હોવાનું ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું.

** કેતને મિત્ર પાસે કોલ કરાવી નંબર ચેક કરાવ્યો હતો
સુરત : લોરેન્સ બિશ્વોઇ નામથી ધમકી આપી પાંચ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હોવાની વાત કેતને મિત્ર હિતેષ ઈટાળીયાને કરી હતી. સાથે જ જેના પરથી કોલ આવ્યો હતો એ નંબર પણ આપ્યો હતો. કોઇ મજાક મસ્તી કરતું હશે એમ વિચારી હિતેષે તેના મોબઇલથી એ નંબર પર કોલ કર્યો હતો. તેણે જાણી જોઇને તમે જતીનભાઇ બોલો છો એવું પૂછ્યું હતું. જો કે કોલ રિસિવ કરનારે લોરેન્સ બિશ્નોઈ ગુપ સે સુખા શૂટર બોલ રહા હું એવો જવાબ મળ્યો હતો. હિતેષે સોરી રોંગ નંબર એવું કહ્યું તો તેણે દેખ કે લગાયા કરો વરના ચકરી આ જાયેગી તેમ કરી ફોન કટ કરી નાંખ્યો હતો. આ વાતચિતનું હિતેષના મોબાઇલમાં રેકોર્ડિંગ થઇ ગયું હતું. આ રેકોર્ડિંગ પોલીસને પણ આપવામાં આવ્યું છે.