અફઘાનિસ્તાનમાં આતંકી ગતિવિધિ અને હુમલાઓનો સીલસીલો યથાવત રહ્યો છે. હિન્દુ ધાર્મિક સ્થાનોને પણ આતંકીઓ દ્વારા ટાર્ગેટ કરાઇ રહ્યા છે. આવી જ વધું એક ઘટના શનિવારે સવારે ઘટી હતી. રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કારતે પરવાન ઉપર આતંકીઓએ હુમલો કરી દીધો હતો. આતંકીઓએ અહીં કેટલાય બ્લાસ્ટ કર્યા હતા, આ હુમલામાં ગુરૂદ્વારામાં મુસ્લિમ સુરક્ષા ગાર્ડનું મોત થઈ ગયું છે. ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી બે ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

કાબુલમાં કાર્તે પરવાન ગુરૂદ્વારા કમિટીના મેમ્બર તલવિંદર સિંહ ચાવલાએ ઘટનાસ્થળ બહારથી વિગતો જણાવી છે. ચાવલાએ જણાવ્યું હતું કે, હાલમાં પણ આતંકીઓ ગુરૂદ્વારા અંદર છે. ત્રણ ચાર કલાકથી અમારા ચાર પાંચ લોકો મિસિંગ છે. અંદર 2થી 3 લોકો કાઢવામાં આવ્યા છે. આ તમામને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. તલવિંદર સિંહ ચાવલાએ કહ્યું કે, તાલિબાનની હાલની સરકારના ગાર્ડ ત્યાં પહોંચી ગયા છે, પણ આ લોકો કોઈને અંદર આવવા દેતા નથી. આતંકી હજૂ પણ અંદર છે અને ત્યાંથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. આખુ ગુરૂદ્વારા આગની ચપેટમાં આવી ગયું છે. અહીં ઉપરાઉપરી 5થી 7 બ્લાસ્ટ થયા હતા.