પટના : બિહારની પટના પોલીસે સંભવિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાંથી પકડવામાં આવેલા બે શકમંદોમાં એક નિવૃત સબ ઇન્સપેક્ટર તો બીજો ગાંધી મેદાન બ્લાસ્ટ કેસનો આરોપી છે. બંને અગાઉ સીમી સાથે જોડાયેલા હતાં. હાલ પણ કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલા આ બંનેના નિશાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બિહાર પ્રવાસ હતો. હુમલા માટે પીએમના પ્રવાસના 15 દિવસ પહેલા ફુલવારી શરીફમાં સંદિગ્ધ આતંકીઓની ટ્રેનિંગ પણ શરુ થઇ હતી. ત્યાં રેઇડ કરીને સંદિગ્ધોને પડકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 12 જુલાઇના રોજ બિહારના પ્રવાસે હતા.
આ મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. પકડમાં આવેલા બન્ને કથિત આતંકવાદીઓમાંથી એક ઝારખંડ પોલીસનો નિવૃત્ત પોલીસ કર્મચારી અને બીજો અતહર પરવેઝ છે. અતહર પરવેઝ પટનાના ગાંધી મેદાનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી મંજરનો સગો ભાઈ છે. પોલીસે જણાવ્યું કે બન્ને સંદિગ્ધ આતંકવાદીઓના તાર પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અને સોશલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા છે. પોલીસે આ બન્ને પાસેથી પીએફઆઈનો ઝંડો, બુકલેટ, પેમ્પલેટ અને ઘણા સંદિગ્ધ દસ્તાવેજ મળી આવ્યા છે. જેમાં ભારતને 2047 સુધી ઇસ્લામિક દેશ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફુલવારી શરીફના એએસપી મનીષ કુમારે સિન્હાએ જણાવ્યું કે આઈબીની સૂચનાના આધારે ગત 11 જુલાઇના રોજ નવા ટોસ નહેર સ્થિત મોહમ્મદ જલાલુદ્દિનના મકાન અહમદ પેલેસ પર છાપેમારી કરીને અતહર પરવેઝની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને પૂર્વમાં પ્રતિબંધિત સંગઠન સિમીના સભ્ય હતા અને વર્તમાનમાં પીએફઆઈ અને SDPI ના સક્રિય સદસ્ય છે. આ બન્ને સંગઠનની આડમાં દેશ વિરોધી બેઠક કરતા હતા જેમાં રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તરીય, જિલ્લા સ્તરીયના પીએફઆઈ અને એસડીપીઆઇના સભ્યો ભાગ લેતા હતા. આ બેઠકોમાં સામેલ થતા લોકોમાં દિલ અને દિમાગમાં સાંપ્રદાયિકતા અને દેશ વિરોધી ઝેર ભરવાનું કામ કરવામાં આવતું હતું.
એએસપીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલો જલાલુદ્દીન ઝારખંડ પોલીસનો રિટાયર્ડ સબ ઇન્સપેક્ટર છે. 6 અને 7 જુલાઇએ મોહમ્મદ જલાલુદ્દીના મકાન સ્થિત પીએફઆઈ અને એસડીપીઆઈના કાર્યાલયમાં માર્શલ આર્ટ અને શારીરિક શિક્ષાના નામે દેશ વિરોધી અસ્ત્ર-શસ્ત્રોની ટ્રેનિંગ, ધાર્મિક ઉન્માદ ફેલાવવા અને આતંકવાદી ગતિવિધિમાં સામેલ થવાની વાચ સામે આવી છે.