65 વર્ષીય વહેમીલા પતિએ પોતાની 60 વર્ષીય પત્ની પર વહેમ રાખી તેણીના મોઢાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી છે. આ ઘટના મેઘરજ તાલુકાના જામગઢમાં રવિવારની રાત્રે ઘટી હતી. ભરઉંઘમાં જ પત્નીને મોતને ઘાટ ઉતારી હત્યારો પતિ ફરાર થઇ ગયો હતો. આ અંગે મૃતકના મહિલાના પુત્રે પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતકનું ઇસરી સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી ઇસરી પોલીસે હત્યારા પતિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જામગઢના કાંતિભાઈ દોલાભાઈ મનાતના લગ્ન રાજસ્થાનના માલાગામડી ગામનાં સવિતાબેન સાથે થયા હતા. સંતાનમાં એક પુત્ર નામે જયંતીભાઇ છે. લગ્નના ચાર દાયકા વિતી ગયા બાદ પણ પતિ પત્નીના ચારિત્ર પર શક અને વહેમ રાખી ઝઘડો કરતો હતો. દરમિયાન ગત રવિવારની સાંજે પણ કાંતિએ આ જ મુદ્દે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રાત્રિએ સવિતાબેન કાંતિભાઈ મનાત (60) ભર ઊંઘમાં હતાં ત્યારે તેણી ઉપર હુમલો કરી દીધો હતો. તેણીને દાઢીના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. સારવાર મળે પહેલા સવિતાબહેનના રામ રમી ગયા હતાં.
આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સવારે મૃતક સવિતાબેનના પિયરિયાંને જાણ કરતાં તેઓ જામગઢ ગામે દોડી આવ્યાં હતાં અને નિષ્પક્ષ તપાસની માગ કરતાં ઈસરી પોલીસે મૃતકના પુત્ર જયંતીભાઈ કાંતિભાઈ મનાતની ફરિયાદના આધારે મૃતક મહિલાના પતિ કાંતિભાઈ દોલાભાઈ મનાત (65) રહે. જામગઢ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.