હજીરા સાયણ રોડ ઉપરથી આજે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેણીનું માથું ધડથી અલગ મળતાં મામલો હત્યાનો હોવાની આશંકા જણાય આવી હતી. જહાંગીરપુરા પોલીસે આ યુવતીની ઓળખ કરવાની કવાયત સાથે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે એક અજાણી મહિલાની લાશ હજીરા સાયણ હાઈવે ઉપરથી મળી હતી. વરસાદી પાણીમાં પડેલા મૃતદેહમાં માથું અલગ અને ધડ અલગ અલગ મળી આવ્યા હતાં. સ્થળ ઉપર મૃતદેહના કરાયેલા પ્રાથમિક પરિક્ષણમાં મહિલાની ઉંમર આશરે 25-30 વર્ષ જણાય આવે છે. તેણીના શરીરે કેટલાક દાગીના પણ મળ્યા છે. જેમાં કાનમાં નાની કડીઓ નાકમાં કડી પગમાં સાંકળા છે. આ યુવતીના ડાબા હાથે 2 સ્ટાર ત્રોફાવેલ છે અને જમણા હાથમાં ચાંદીની વીંટી પર્પલ કલરના નંગ વળી પહેરેલ છે. તેણીના શરીરે સફેદ રંગનું ચેક્સ વાળુંસલવાર કમીજ હતું. આ પ્રકારની યુવતીને કોઇ ઓળખતું હોય અથવા તો કોઇની પાસે માહિતી હોય તો જહાંગીરપુરા પોલીસ અથવા તો પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક સાધવા જણાવાયું છે.