સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં સાસરે ગયેલા દાદરાગામના યુવકની હત્યા કરાઇ હતી. આ ચકચારિત ઘટનાના ગણતરીના સમયમાં જ દાદરા નગર હવેલી પોલીસે આ હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને દબોચી લીધા હતાં. પોલીસ તપાસમાં હત્યાકાંડ પાછળ યુવકની માતા અને માસા વચ્ચેની કામલીલા કારણભૂત હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોકી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીના બ્રાહ્મણ ફળિયામાં ગઈ 19 તારીખે એક યુવકની કરપીણ હત્યા કરાઇ હતી. યુવકની ઓળખ દાદરાના રહેવાસી રાકેશ હળપતિ તરીકે થઇ હતી. 30 વર્ષીય રાકેશ નરોલીમાં પોતાના સાસરે ગયો હતો. બીજા જ દિવસે નરોલીના બ્રાહ્મણ ફળિયામાં રહેતી તેની માસીના ઘર નજીક એક બંધ મકાનમાંથી રાકેશનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સેલવાસ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક રાકેશ હળપતિ માછીમારી માટે સિઝનમાં નોકરી પર જાય તે પહેલા તે તેના સાસરે આવ્યો હતો. એ દરમિયાન રાકેશ તેના માસી પણ નરોલીમાં જ બ્રાહ્મણ ફળિયામાં રહેતા હોવાથી તે રાત્રે માસીના ઘરે રોકાયો હતો.

આ દરમિયાન સુરેશ હળપતિ નામના તેના માસા રાકેશને દારૂની પાર્ટીના બહાને એક જગ્યાએ લઈ ગયા બાદ તેની લાશ જ મળી હતી. પોલીસે એ રાતે રાકેશ સાથે ખાવા-પીવા બેઠાં હતાં એ તેના માસા સુરેશ હળપતિ તેના મિત્ર રવિન્દ્ર હળપતિને અટકયતમાં લઇ પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. માસા સુરેશ અને તેના મિત્ર રવિન્દ્રએ જ રાકેશને હથિયારોના ઘા ઝીંકી અને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં મૃતદેહને ઘરની બાજુમાં આવેલી જગ્યાએ ફેંકી અને કાંઈ જ ન બન્યું હોય તેવી રીતે તે ઘરે પહોંચી ગયો હતો. આ બંનેની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે હકીકત બહાર આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી.

મૃતક રાકેશની માતાનું આરોપી સુરેશ હળપતિ એટલે કે મૃતકના માસા સાથે આડા સંબંધ હતા. દસ દિવસ અગાઉ આરોપી સુરેશ હળપતિ મૃતક રાકેશના ઘરે દાદરા ગયો હતો. જ્યાં આરોપી સુરેશ હળપતિ અને તેની માતાને રંગરેલીયા મનાવતા મૃતક રાકેશ હળપતિ જોઈ ગયો હતો. આથી સુરેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો .જોકે જે તે વખતે રાકેશે કોઈ બબાલ કરી ન હતી પરંતુ માછીમારી કરવા જતા પહેલા દર વખતની જેમ આ વખતે પણ રાકેશ પોતાના સસરા અને માસીના ત્યાં નરોલી આવ્યો હતો.
આથી આરોપી સુરેશને લાગ્યું કે, તેની માતા સાથેના આડા સંબંધની વાત રાકેશ તેની માસી એટલે આરોપી સુરેશની પત્નીને જણાવી દેશે. જો આવું થશે તો, પરિવારમાં બબાલ થશે આવું માનીને માસા સુરેશ ભાણેજ રાકેશને તે રાત્રે ખાવા પીવાની પાર્ટી કરવાના બહાને લઈ ગયો હતો. જ્યાં દારૂ પીવડાવી અને તેના એક મિત્ર રવિન્દ્ર હળપતિ સાથે મળી અને સુરેશ હળપતિએ ભાણેજ રાકેશનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ચકાવનારો ખુલાસો થયો હતો.